સરકાર પાસે ટેક્સનો હિસાબ માંગવો એ સૌથી મોટી દેશભક્તિ છે : ઈલેવાન ઠાકર

- કિસાનરાજ દૈનિક તા. ૨ જુલાઈ ૨૦૨૧નાં અંકમાં પ્રકાશિત તંત્રી લેખ
- દેશના લોકો માટે સરકાર કેટલી સારી રહી છે તે માપવાનો સૌથી સહેલો રસ્તો શું છે ?
- પ્રથમ : આવક અને ખર્ચના ગુણાંકમાં તે દેશના લોકો કેટલો ટૈક્સ (આવકવેરા, કસ્ટમ ડ્યુટી, જીએસટી, રાજ્ય કર) ચૂકવે છે ?
- બીજું : છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમની આવકમાં વધુ વધારો થયો છે કે તેમના પર લાદવામાં આવનાર ટૈક્સમાં ?
- ત્રીજું : ચુકવેલ ટૈક્સના બદલામાં તેને સરકાર પાસેથી શું મળ્યું ?
- આપણા દેશમાં આનો હિસાબ લગાવતા જ આપણને ખ્યાલ આવશે કે જો સરકાર કોઈ પ્રાઈવેટ કંપની હોત, તો તમે તેના ઉપર પૈસા લઈ સેવા નહીં આપવા બદલ દાવો કર્યો હોત.
- શું તમે જાણો છો છેલ્લા દાયકામાં ભારતના સામાન્ય પરિવારો પર કેટલો ટૈક્સ વધ્યો છે ?
- શું તમે જાણો છો સામાન્ય લોકોની તુલનામાં કંપનીઓ પર ટૈક્સના માપદંડ શું છે ?
- શું તમે જાણો છો કોરોનાની મહામારી અને મંદી દરમિયાન માત્ર ભારતીયો જ શા માટે વિશ્વમાં સૌથી વધુ ગરીબ બન્યા ?
ઉપરોક્ત આ ત્રણ પ્રશ્નોના જવાબ આપણા અને આપણા દેશના ભવિષ્ય માટે ખુબજ જરૂરી છે, પરંતુ તે પહેલાં ટૈક્સને ધ્યાનમાં રાખી આપણે આપણાં દિમાગને સાફ કરવું ખુબજ જરૂરી છે. ટૈક્સ જીડીપી રેશિયોમાં (ભારત ૧૧.૨૨ ટકા – ૨૦૧૮) વિકસિત દેશોની ઉંચી સરેરાશ બતાવીને આપણને ઘણી વાર શરમ મુકવામાં આવે છે. પરંતુ આ રેશિયો હકીકતમાં તો આર્થિક ઉત્પાદન પર સરકારની આવકનો હિસાબ-કિતાબ છે. આપણાં દેશમાં આવકવેરો (ઈન્કમટેક્ષ) ભરનારા મુઠ્ઠીભર લોકો દેશની બાકીની વસ્તીને દેશ પરનો બોજ બતાવે છે. પરંતુ હકીકતમાં તો આ ટૈક્સને આપણે માથાદીઠ આવકના પ્રમાણમાં જોવો જોઈએ. અને જો આમ જોવા જઈયે તો માથાદીઠ આવકના સંદર્ભમાં ભારત વિશ્વમાં ૧૨૨ માં ક્રમે છે અને તેમાં પણ ભારતની ૮૦ ટકા વસ્તી દર મહિને રૂ. ૨૦,૦૦૦ કરતાં પણ ઓછી કમાણી કરે છે (આઈસીઈ ૩૬૦ના સર્વે પ્રમાણે), તેથી આવકવેરો (ઈન્કમટેક્ષ) ભરનારાઓ ની સંખ્યા અબજાેમાં હોતી નથી. માટે તેનાથી એમ માની ન લેવાય કે ઈન્કમટેક્ષ ભરનાર મુઠ્ઠીભર લોકો જ દેશના અર્થતંત્રને ચલાવે છે બાકીના બોજા સમાન છે.
ટૈક્સ વ્યક્તિની આવક કરતાં તેના દ્વારા થતાં ખર્ચ પર લાગે આવું કહીને ૧૭મી સદીમાં જોન લોક્સ અને થોમસ હોબ્સે ટૈક્સ આવક કરતાં ખર્ચ પર આધારિત હોવું જોઈએ એમ કહીને કરવેરા અંગેની ચર્ચાઓ ને આંદોલીત કરી હતી. ભારતમાં સરકારને ખબર છે કે મોટા ભાગની વસ્તીની આવક કરપત્ર નથી. તેથી તે જે વપરાશ કરે છે તેમાં તેને નિચોવી નાંખવામાં આવે છે. ૨૦૧૯ માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવકની ૬૫ ટકા આવક વપરાશ પરના ટૈક્સ માંથી આવી હતી. આ એ ટૈક્સ છે જે દરેક વ્યક્તિ ચુકવે છે. અને જ્યારે કેન્દ્રની આવકમાં આવકવેરાનો (ઈન્કમટેક્ષ) હિસ્સો ૧૭ ટકા હતો. છેલ્લા દાયકામાં (૨૦૧૦ થી ૨૦૨૦) ભારતીય પરીવારો પર ટૈક્સનો ભાર ૬૦ થી વધી ૭૫ ટકા સુધી થઈ ગયો. આમાં ઈન્ડિયા રેટિંગ્સ અનુસાર વ્યક્તિગત આવકવેરો અને જીએસટીનો બન્નેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, છેલ્લા સાત વર્ષોમાં, માત્ર પેટ્રોલ અને ડીઝલમાંથી ૭૦૦ ટકા જેટલો ટૈક્સ વધુ વસુલવામાં આવ્યો છે.
જે જીએસટી આવ્યાં બાદ સતત વધતો રહ્યો જેને લાવાની સાથે ટૈક્સ ઘટાડવાના મોટા મોટા વાયદાઓ અને વચનો આપવામાં આવેલા હતાં. આ ગણતરીમાં સરકારી સેવાઓ પરના રાજ્ય ટૈક્સ અને તેમના દ્વારા લેવામાં આવતી ફી શામેલ નથી. તે પણ સતત વધી છે. ઉત્પાદન અથવા વેચાણ પર લાગતો ટૈક્સ (જીએસટી) સામાન્ય લોકો પણ ચૂકવે છે. કંપનીઓ તેને પોતાના ભાવમાં ઉમેરીને આપણી પાસેથી વસુલ કરે છે. તેથી, કંપનીઓ પરના ટૈક્સની ગણતરી તેની આવક (કોર્પોરેશન ટેક્સ) પરના ટૈક્સ માંથી કરવામાં આવે છે. નહી કે તેને કેટોલો જીએસટી ભર્યો તેના પરથી, કેમ કે તે જીએસટી તો સામાન્ય લોકો પાસેથી વસુલવામાં આવેલ ટૈક્સ છે. ઈન્ડ-રાનો અભ્યાસ દર્શાવે છે કે વર્ષ ૨૦૧૦ માં કેન્દ્ર સરકારની ૧૦૦ રૂપિયાની આવકમાં ૪૦ રૂપિયા કંપનીઓ પાસેથી અને ૬૦ રૂપિયા સામાન્ય લોકો પાસેથી આવતાં હતા. જ્યારે અત્યારે ૨૦૨૦ માં કંપનીઓ ફક્ત ૨૫ રૂપિયા આપી રહી છે અને સામાન્ય લોકો ૭૫ રૂપિયા આપી રહ્યા છે.
અહી વધુમાં કહેવાનું કે ૨૦૧૮ માં કોર્પોરેટ ટેક્સમાં ૧.૪૫ લાખ કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી છે. જેનો લાભ માત્ર કંપનીઓને જ સિધો મળેલ છે, સામાન્ય લોકોને નહી. કોરોનાની મંદી (૨૦૨૦) દરમિયાન ભારતના લોકો વિશ્વના દેશોની તુલનામાં સૌથી વધુ ગરીબ બન્યા, તાજેતરના આંકડા બતાવે છે કે (એમઓએસએલ ઇકોસ્કોપ મે ૨૦૨૧), યુ.એસ., કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારોએ તો પોતાના અર્થતંત્રનું નુકશાન પોતે ઉપાડી લીધુ હતું અને જાત જાતની સહાયો દ્વારા સામાન્ય લોકોના પરિવારોની આવક (રોજગાર આપનાર કંપનીઓને પણ) ઓછી થવા નહોતી દીધી. સરકારની સહાયથી દક્ષિણ આફ્રિકાના પણ સામાન્ય પરિવારોની આવક સુરક્ષિત રહી હતી. યુરોપમાં પણ ૬૦ થી ૮૦ ટકા નુકસાન સરકારો દ્વારા ઉપાડવામાં આવેલ હતું. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થાની આવકમાં ૮૦ ટકા જેટલું નુકસાન દેશના પરીવારો અને નાની નાની ખાનગી કંપનીઓના ખાતામાં ગયું.
જ્યારે અન્ય દેશોએ તેમના લોકો પાસેથી વસૂલવામાં આવલ ટૈક્સ ના પટારા તેમની મદદ માટે ખુલ્લા મુકી દીધા હતાં ત્યારે ભારતની સરકારે મંદી અને બેકારીની વચ્ચે સામાન્ય લોકો ને જ નિચોવી લીધા. આપણું ભારતીય અર્થતંત્ર ગ્રાહકો પર આધારિત છે. ભ્રષ્ટ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલ ખર્ચ જરા પણ અસરકારક સાબીત નથી થયો ત્યારે આવા સંજોગોમાં આપણા દેશમાં મંદી દૂર કરવા માટે સામાન્ય લોકો પર ટેક્સનું ભારણ ઘટાડીને વપરાશ વધારવા પર જોર દેવું જરૂરી છે.
જો આપણે લોકકલ્યાણ માટે કંપનીઓ કરતા વધારે ટેક્સ ભરતા હોઈએ તો તે લોકકલ્યાણ ક્યાં છે? આ કોરોનાની મહામારી દરમિયાન લોકો ઓક્સિજન-દવા શોધતા શોધતા મરી ગયા. રસ્તાઓ પર ભટક્યા અને બરબાદ થઈ ગરીબીમાં ઘૂસી ગયા. સરકારો પાસે ટેક્સનો હિસાબ માંગવો એ સૌથી મોટી દેશભક્તિ છે.
-અસ્તુ.
– ઈલેવાન ઠાકર
તંત્રી : કિસાન રાજ દૈનિક
ગાંધીનગર (ગુજરાત)