રાજકોટ માં મહાનગરપાલિકા અને રેલ્વે વચ્ચેનો ટેક્સનો વરસો જુનો પ્રશ્ન ઉકેલાયો.

રાજકોટ માં મહાનગરપાલિકા અને રેલ્વે વચ્ચેનો વરસો જુનો ટેક્સનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. રેલ્વે અને મહાનગરપાલિકા વચ્ચે આ વિષયમાં થયેલા એક સમજુતી કરાર (MOU) પર હસ્તાક્ષર પણ થઇ ગયા છે. હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવા કાર્યવાહી આગળ ધપાવશે. રેલ્વે પાસેથી મહાનગરપાલિકાએ આશરે રૂ.૧૫ કરોડ જેવી રકમ વસૂલ થાય છે. તેમ મેયરશ્રી ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું. રાજકોટ શહેર મહાનગરપાલિકા અને રેલ્વે વચ્ચે પ્રોપર્ટી ટેક્સ મુદ્દે સને-૧૯૫૪ થી આ ઇસ્યુ અણઉકેલ રહેતા સને-૧૯૯૭ ની સાલમાં આ પ્રકરણ હાઈકોર્ટમાં પહોંચ્યું હતું, જેના ચુકાદા સામે સને-૨૦૦૩ માં રાજકોટ મહાનગરપાલિકાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સને-૨૦૦૯ માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ રેલ્વે સાથે (MOU) કરવા બાબતે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. આ વિષયમાં બંને તંત્ર વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. જેમાં સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતે રેલ્વેએ સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. જેના પગલે (MOU) નો મુસદ્દો તૈયાર કરાયો હતો. અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે, તાજેતરમાં જ માનનીય મેયરશ્રી ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની ઉપસ્થિતિમાં રેલ્વે અને રાજકોટ મહાનગરપાલિકાની એક સંયુક્ત મીટિંગ યોજાઈ હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની ચર્ચા દરમ્યાન સર્વિસ ચાર્જ મુદ્દે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જેના પગલે (MOU) પર બંને પક્ષકારોનાં હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકી હતી. રેલ્વે પાસેથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સને બદલે સર્વિસ ચાર્જ વસૂલવાનો થાય છે. અગાઉની બાકી રકમ સહિત કુલ આશરે રૂ.૧૫ કરોડ જેવી રકમનું બિલ રેલ્વેને મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.