ગાંધીનગરમાં ચૂંટણીની રાહ જોતી ખુરશીઓ ભાજપ અગ્રણીની બિલ્ડિંગના પાર્કિંગમાં કેદ

ગાંધીનગર ભાજપ અગ્રણીની બિલ્ડીંગના બેઝમેન્ટ પાર્કિંગમાં કોર્પોરેશન દ્વારા અપાતી ખૂરશીઓનો પડેલો જથ્થો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અગાઉ કોર્પોરેશનની સેક્ટર-21 ખાતેની નર્સરીમાં હજારો ખુરશીઓ, પંખા અને ટ્રી ગાર્ડ ધૂળખાતા હતા. જે અંગે ચર્ચાઓ શરૂ થતાં ખુરશી સહિતની વસ્તુઓ ક્યાંક ખસેડી લેવાઈ હતી. ત્યારે હવે બિલ્ડિંગના બેઝમેન્ટમાં પડેલી ખુરશીઓ કોની છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. બે મહિના પછી ચૂંટણી જાહેર થાય ત્યારે વિતરણ માટે રાહ જોતી હોય તેમ આ ખુરશીઓ પડેલી છે. એટલે કે પ્રજાના ટેક્સના પૈસાથી પ્રજાને વસ્તુઓ આપીને પ્રચાર થાય તેવી સ્થિતિ ઉભી થાય તો નવાય નહીં.
બીજી તરફ મીની કમલમ કહેવાતા રાયસણના પાર્ટીપ્લોટમાં પણ મોટી સંખ્યામાં આવી ખુરશીઓ જોવા મળે છે. જેનો ઉપયોગ ભાજપની બેઠકો અને મિટિંગોમાં ઉપયોગમાં લેવાય છે. ત્યારે જે પ્રજા માટે આ ખુરશીઓ લેવાઈ છે તેવા કોઈ નાગરિકને ખુરશીઓ મળી હોય તેવું ધ્યાને આવ્યું નથી. કોઈપણ કોર્પોરેટર્સ કે પદાધિકારીની ગ્રાન્ટમાં અપાતી વસ્તૂઓ સીધી નાગરિકોને આપવાની હોય છે. જોકે કોર્પોરેશનમાં ઉલ્ટી ગંગા વહેતી હોવાથી મોટાભાગે કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ વસ્તુઓ લઈને ભેગી રાખે છે. આ વસ્તુઓ કોને અપાઈ તેનો હિસાબ તંત્ર લેતું હોવાનું ધ્યાને આવ્યું નથી.