પાસ પાટીદારોના હિતને ધ્યાને રાખતાં પક્ષને જ સમર્થન આપવાની દિશામાં અગ્રેસર

પાટીદાર અનામત આંદોલન સમિતિ હવે પાટીદાર આંદોલન ફરીથી શરૂ કરવા જઇ રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં 2015માં હાર્દિક પટેલના નેતૃત્વ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે આવતાં વર્ષે આવી રહેલી ગુજરાત વિધાનસભાની પહેલાં ફરીથી સળવળાટ કરી રહ્યું છે. પાસના કન્વીનર ધાર્મિક માલવીયાના જણાવ્યા અનુસાર પાસ રાજકીય રીતે એવાં પક્ષને સમર્થન કરશે, જેના ચૂંટણી એજન્ડા તેમના સમાજના હિતને ધ્યાને લઇને નક્કી થશે.
ધાર્મિક માલવીયાએ કહ્યું કે ઘણી બધી માંગણીઓને લઇને અત્યાર સુધી સુષુપ્ત રહેલું આ આંદોલન ફરીથી જીવંત થશે અને તેમાં પાટીદારોની દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાનો સહયોગ રહેશે. આ આંદોલન શરુ કરવાની વાત પણ હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જ કરી હતી. થોડા સમય પહેલા જેલમાંથી બહાર આવેલા અલ્પેશ કથીરિયા સાથે હાર્દિક અને ધાર્મિકે વિડીયો કોન્ફરન્સ કરી ફરીથી પાટીદાર સહિત અન્ય સવર્ણો માટે આ આંદોલન કરવાનું નક્કી કર્યું હતું.