પાણીમાં પકોડાં તળીને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઉજવણી ચાલી રહી છે તેની સમાંતર ગુજરાત કોંગ્રેસ દ્વારા સમાંતર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેના ભાગરૂપે શુક્રવારે ગાંધીનગર કોંગ્રેસ દ્વારા સેકટર-6 અપના બજાર ખાતે બેરોજગારી મુદ્દે પ્રદર્શન કરાયું હતું. જેમાં તેલને બદલે પાણીમાં પકોડા તળવાનો કાર્યક્રમ યોજ્યો હતો. ભાજપ સરકારના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
જેને પગલે પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પ્રદેશ નેતા નિશિત વ્યાસ, મનપાના વિપક્ષના પૂર્વ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, પૂર્વ કોર્પોરેટર ચિમનભાઈ વિંઝુડા, રજનીભાઈ પટેલ, મુકેશ મારૂ સહિતના નેતાઓ સહિત 10 જેટલા નેતાઓની અટકાયત કરી હતી.
આ અંગે સૂર્યસિંહ ડાભીએ કહ્યું હતું કે,‘ રોજગારી પ્રશ્ને રાજ્ય સરકાર નિષ્ફળ નિવડી છે તેમ છતાં રૂપાણીજી સરકારી ખર્ચે ઉજાણી કરી રહ્યા છે. બેરોજગારીનો દર છેલ્લા 45 વર્ષની ચરમસીમાએ એટલે કે 8%એ પહોચ્યો છે, ત્યારે વડાપ્રધાન પકોડા તળવાને પણ રોજગાર ગણે છે ! શું આ ગુજરાતનાં 40 લાખ કરતાં વધારે બેરોજગાર શિક્ષિત યુવાનોનું અપમાન નથી ?