રાજકોટ માં “શહેરી જનસુખાકારી દિન” ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો

રાજકોટ માં મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન” ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો.
રાજકોટમાં મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન” ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ આજરોજ તા.૮/૮/૨૦૨૧ ના રોજ સવારે ૯:૪૫ કલાકે પ.પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, માન.ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્યો લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ કમિટી ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા, ડે.કમિશનર આશિષકુમાર, સી.કે.નંદાણી તથા એ.કે.સિંઘ તેમજ રૂડાના ચીફ એકઝીકયુટીવ ઓફિસર ચેતન ગણાત્રા વિગેરે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, અમારી સરકાર ચૂંટાયા પછી સતાનો મોહ નહી પરંતુ પ્રજાની વચ્ચે વિનમ્રતાથી સતા નહી પણ જવાબદારી સંભાળેલ છે. અને માનવી ત્યાં સુવિધા વિવાદ નહી સંવાદ લઘુતમ સાધનો મહતમ ઉપયોગ અને આપણી પોતાની સરકારના ભાવ સાથે સરકારની ધૂરા સંભાળેલ અને તેવુ જ વાતાવરણ પ વર્ષમાં સર્જાયેલ છે. સરકાર મુખ્ય ચાર સ્તંભો સાથે પારદર્શકતા અને ઈમાનદારીથી કામ કરી રહી છે. નિર્ણાયકતામાં સત્વરે નિર્ણય લઈ અને અનિરર્ણાયકતામાં વિકાસ રૂધાય નહિ. ભૂતકાળમાં જે નિણર્યનો અભાવ હતો. નિર્ણય કરવા માટે ઈમાનદારી જોઈએ. અમારો સ્વાર્થ નથી માટે ઝડપથી નિર્ણય કરી શકાયા છે. કોરોના કાળમાં પણ રાજ્યનો વિકાસ થંભવા દિધો નથી. બીજી લહેરમાં સંપૂર્ણ લોકડાઉન વગર કામો આગળ ધપાવ્યા છે. ત્રીજી લ્હે આવે તો તેનો સામનો કરવા માટે સરકાર સજ્જ છે. ભૂતકાળની સરકારમાં ૨૦ થી ૨૫ વર્ષ પહેલા હાથ ધરેલી સુધી યોજનાઓ સાકાર કરી શકી ન હોતી, જેમાં નિર્ણયનો અભાવ હતો. અત્યારની સરકાર સૌ સાથે બેસીને ત્વરિત નિર્ણય કરે છે. અમારી સરકાર જે કામોનું ખાતમુહૂર્ત કરે છે. તેનું લોકાર્પણ પણ કરે છે. અમારી સરકાર લોકોને આંબા આંબલી બતાવતી નથી. અગાઉની સરકારોનું બજેટ ૮૦૦૦ કરોડથી ૯૦૦૦ કરોડ જેટલું રહેતું હતું. જ્યારી આજે આપની બજેટ ૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. પ વર્ષમાં સરકાર દ્વારા ૧૭૦૦ થી વધુ નિર્ણયો કર્યા છે. અમારી સરકાર લોકો સૂચવે એ પહેલા જ, સામે ચાલીને લોકોના કામો કરે છે. ગરીબ, પીડિત, શોષિત, વંચિત લોકોને ધ્યાનમાં રાખી સર્વાંગી વિકાસ કરેલ છે. ગુજરાત વિશ્વ કક્ષાની સ્પર્ધામાં ઉણું ન ઉતરે તે દિશામાં કામ કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો. ત્યારે રાજકોટ શહેરમાં પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓ હતી. ત્યારે ટેન્કરો અને ટ્રેનથી પાણી મંગાવવું પડતું હતું. આ સમસ્યા ઉકેલવા L.I.C અને હુડકો પાસેથી લોન લઈ કામ કરવામાં આવતું. ત્યારની સરકાર દ્વારા ફૂટી કોડી પણ મળતી ન હોતી. આજની અમારી સરકાર દ્વારા ગામડા, નગરો અને શહેરોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ત્વરિત ફાળવવામાં આવે છે. બે દસકામાં રાજ્યની કાયાપલટ થયેલ છે. તેમ અંતમાં માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. આ પ્રસંગે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવેલ કે, છેલ્લા પ વર્ષમાં શહેરી વિકાસ બાબતે ગુજરાતે અમાપ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. સને-૨૦૦૧ માં જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. ત્યારે તેમને ગુજરાતનાં વિકાસનું લક્ષ્યાંક રાખેલ હતું. તેઓ કહેતા કે, ગુજરાત મારો આત્મા છે. તેમજ ભારત મારો પરમાત્મા છે. અને ગુજરાતને મારે શ્રેષ્ઠ સુવિધા આપવી છે. જે તેઓએ સાકાર કરી બતાવ્યુ છે. તેમણે કંડારેલ વિકાસની કેડીના કારણે રાજયમાં ૪૨૪ ટી.પી.સ્કીમો ફાઈનલ થઈ, ૧૦૦ થી વધુ બ્રિજ બનાવ્યા છે. લોકોની સલામતી અને સુખાકારી માટે અશાંતધારો, લવ જેહાદ, ગૌ હત્યા અટકાવ, ગુંડા નાબૂદી જેવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા તેમજ વિશાળ C.C.T V નેટવર્ક કરવામાં આવ્યુ છે. ૪.૧૭ લાખ આવાસો જરૂરીયાતમંદ લોકોને ફાળવવામાં આવ્યા છે. રાજયના શહેરો લીવેબલ અને લવેબલ બન્યા છે. અમદાવાદનો રીવરફ્રન્ટ દેશ અને દુનિયામાં અમદાવાદની ઓળખ સમાન બન્યો છે. સ્માર્ટ સિટી, સફાઈ તથા “સીટી ઈઝ ઓફ લિવીંગ” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. અમે ફકત ઉજવણી નથી કરતા પરંતુ વિકાસ માટે પ્રતિબધ્ધતા દર્શાવી, રાષ્ટ્રીય ઈચ્છા શકિત દર્શાવી છે. આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની સરકાર છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. અને પ્રથમ દિવસથી જ રાજયના મહાનગરો, નગરો અને ગામડાઓની સતત ચિંતા કરી રહી છે. શહેરોની સાથે ગામડાનો પણ સમાંતર વિકાસ થાય તે પરત્વે પૂરતુ ધ્યાન આપેલ છે. શહેરી વિકાસ માટે વાર્ષિક રૂ.૧૩,૪૪૦ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. છેલ્લા ૫ વર્ષમાં ૧૫૬ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવેલ છે. અને આશરે રૂ.૬૧,૮૪૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયમાં ચાલતા કામોનો નિયમિત રીતે રીવ્યુ કરવામાં આવે છે. અને જે વર્ષમાં બજેટ જોગવાઈ કરવામાં આવેલ હોય તે વર્ષમાં જ ગ્રાંટની રકમ વપરાય તેની સતત ચિંતા કરવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના શરૂ કરવામાં આવેલ જે હજુ પણ ચાલુ રાખેલ છે. આજે રૂ.૫૦૦૦ કરોડનાં ૪૭૧ જેટલા વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત થનાર છે. તેમજ રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાને રૂ.૧૦૦૦ કરોડનાં ચેકો અર્પણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ જણાવ્યુ કે, એક સમય એવો હતો કે, રૂપિયા એક કરોડની ગ્રાંટ માટે પણ ગાંધીનગર સુધી અનેક ધકકા ખાવા પડતા હતાં. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. સરકારશ્રી દ્વારા તમામ ગ્રાંટની રકમ સત્વરે ફાળવવામા આવે છે. ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા જકાત નાબૂદી કરવામા આવી ત્યારે વિરોધ પક્ષ દ્વારા એ પ્રશ્ન ઉઠાવવામાં આવેલ હતો અને લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવેલ કે રાજયની નગરપાલિકા તથા મહાનગરપાલિકાનો વહીવટ કેવી રીતે ચાલશે. વિકાસ કામો કેવી રીતે થશે. પરંતુ, સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાને કરોડોની સહાય આપી છે. જકાતની ગ્રાંટ સમયસર આપી છે. જેના કારણે રાજયનો વિકાસ અવિરત ચાલુ રહ્યો છે. રૂડા દ્વારા રીંગ રોડ-૨ નું અધૂરૂ કામ ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવ્યુ. જેના કારણે શહેરી ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ હળવો થયો છે. અગાઉ રાજકોટમાં ફકત એક જ કોમ્યુનિટી હોલ હતો. જેમાં સૌરાષ્ટ્ર વિધાનસભા બેસતી તે કોનોટ હોલ કે જે હાલ અરવિંદભાઈ મણીઆર હોલ તરીકે પ્રખ્યાત છે. ત્યારબાદ કોંગ્રેસના સમયમાં સરકાર દ્વારા હેમુગઢવી હોલ બનાવવામાં આવેલ. જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા દાયકામાં ત્રણ-ત્રણ નવા ઓડીટોરીયમ બનાવવામાં આવેલ છે. તેમજ એક નવા આધુનિક ઓડીટોરીયમનાં નિર્માણનું કામ ચાલુ છે. અગાઉ રાજકોટની પાણી કટોકટીના સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભાદર પાઈપલાઈન નાંખવામાં આવેલ. જેનું આશરે રૂ.૫.૨૫ કરોડનું બીલ તાત્કાલીન કોંગ્રેસી રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવેલ. બાદમાં, કેશુભાઈ પટેલએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા આ રકમ માફ કરવામાં આવેલ હતી. આજે ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને રૂ.૧૦૦૦ કરોડની સહાયના ચેક અર્પણ કરવામાં આવનાર છે. અગાઉ વિકાસકામોના ખર્ચમાં અનેક છીદ્રો હતા. જેથી અંતિમ જરૂરીયાત સુધી ગ્રાંટની પૂરી રકમ પહોંચતી ન હતી. આજે સંપૂર્ણ પારદર્શક વહીવટ છે. કોરોના કાળમાં સરકારે લોકોના જીવ બચાવ્યા છે. અને સાથો સાથ વિકાસના કામો પણ કર્યા છે. આજે રાજયભરમાં રૂ.૫૦૦૦ કરોડનાં કામોના લોકાર્પણ તથા ખાર્તમૂહુર્ત થનાર છે. અગાઉ ગુજરાતનું બજેટ રૂ.૮૦૦૦ કરોડનું હતું. જયારે આજે ગુજરાત વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરીફાઈ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે સપના ઉંચા જુઓ અને તે સાકાર કરવા માટે કામ કરો આપણે તે ઉક્તિ ચરિતાર્થ કરવા ઉંચા સપના સાકાર કરીશું. રાજકોટના મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, “શહેરી જનસુખાકારી દિવસ” અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળનાં કુલ રૂ.૩૯.૯૮ કરોડના લોકાર્પણ તથા રૂ.૨.૭૪ કરોડના ખાતમુહૂર્ત મળી કુલ રૂ.૪૨.૭૨ કરોડના કામોનાં માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નજીવા દરે પોતાના શુભ પ્રસંગોએ કોમ્યુનિટી હોલને સુવિધા મળે તેવા શુભ હેતુથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં ૧૮ કોમ્યુનિટી હોલ લોકોની સેવામાં છે. આજરોજ રૂ.૮.૯૧ કરોડના ખર્ચે વોર્ડનં-૯ માં અધ્યતન કોમ્યુનિટી હોલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ હોલમાં ૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતા બે માળ તથા વર વધુ માટેના રૂમ ઉપરાંત બીજા માળે સેન્ટ્રલ એરકન્ડીશનર, લીફ્ટ વગેરેની સુવિધા ઉપલબ્ધ છે. વિશેષમાં, શહેરમાં પીવાના પાણીની સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા માટે શહેરમાં ૨૪ જેટલા હેડ વર્કસ કાર્યરત્ત છે. આજરોજ રૂ.૭.૧૪ કરોડના ખર્ચે કોઠારીયામાં સ્વાતિ પાર્ક વિસ્તારમાં E.S.R અને G.S.R તથા પમ્પીંગ સ્ટેશન વગેરેનું લોકાર્પણ પણ થનાર છે. આગામી સમયમાં ૧૫૦ M.L.D નાં ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન છે. આજરોજ શહેરના જુદાજુદા કોમ્યુનિટી હોલ મળી ૬ જગ્યા પર રૂફટોપ સોલાર પ્લાન્ટ કરવામાં આવનાર છે. જેનાથી ૨૨૫ કિલોવોટ પાવર જનરેટ થશે અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૩૧.૨૧ લાખની વીજ ખર્ચ બચત થશે. તેમજ ૩.૦૫ કિલોગ્રામ કાર્બનનું ઉત્સર્જન ઘટશે. આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા તેમજ ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન અમિત અરોરા દ્વારા પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી, મુખ્ય મહેમાન અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે રાજકોટ મહાનગરપાલિકાના આશરે કુલ રૂ.૨૨.૪૧ કરોડના વિકાસ કામોના લોકાર્પણ થનાર છે. તેની વિગતો જોઈએ તો વોર્ડ નંબર-૯ માં રૂ.૮.૯૧ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ, વોર્ડ નંબર ૯,૧૦,૧૧ અને ૧૨ માં રૂ.૫.૧૨ કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર પાઈપલાઈન અને રિટેઈનિંગ વોલના કામો, રૂ.૭.૧૪ કરોડના ખર્ચે કોઠારિયા વોટર સપ્લાય પ્રોજેક્ટના હેડ વર્કસનું કામ, તેમજ રૂ.૧.૦૫ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં બનાવવામાં આવેલા નવા ૧૫ સ્માર્ટ બસ સ્ટોપ, અને અન્ય કામોના લોકાર્પણ થનાર છે. આજે રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ.૨.૭૪ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત થનાર છે. તેની વિગતો જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર-૪ અને ૭માં રૂ.૬૦ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર પાઈપલાઈન, જ્યારે વોર્ડ નંબર ૧૦ અને ૧૧ માં રૂ.૮૩ લાખના ખર્ચે “જનભાગીદારી યોજના” હેઠળ ડી.આઈ. પાઈપલાઈન નાંખવાનું કામ, પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે રૂ.૩૫ લાખના ખર્ચે પબ્લિક રેસ્ટ રૂમ અને મહાનગરપાલિકાના જુદાજુદા કોમ્યુનિટી હોલ અને ઝૂઓલોજિક્લ પાર્ક ખાતેના બિલ્ડિંગોમાં રૂ.૯૬ લાખના ખર્ચે કુલ-૨૨૫ કિલો વોટના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાના કામોનું ખાતમુહૂર્ત પણ આજે થઇ રહ્યું છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) ના કુલ રૂ.૧૭.૫૭ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થનાર છે. તેની માહિતી પર એક નજર કરીએ તો. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) ના જે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું આજે લોકાર્પણ થનાર છે. તેની એક ઝલક જોઈએ તો. રાજકોટ શહેરની ફરતે રિંગ રોડ-૨ આકાર પામી રહ્યો છે. તેના ભાગરૂપે, રૂડા રીંગ રોડ-૨, ફેઝ-૨ માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં ૬.૨ કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ.૮.૧૧ કરોડનાં ખર્ચે અને આ રસ્તા પર આવતા બે બ્રિજની કામગીરી રૂ.૯.૪૬ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. અને તેનું આજે લોકાર્પણ કરવામાં આવનાર છે. હાલમાં જ્યારે ગોંડલ ચોકડી પર બ્રિજનું કામ શરૂ થયેલ છે. ત્યારે આ નવો રીંગ રોડ રાજકોટના નાગરીકો માટે આશીર્વાદસમાન પુવાર થશે. હવે વાહનચાલકો કાલાવડ રોડથી સીધું જ ગોંડલ રોડ પર પહોંચી શકશે. તેઓએ ૧૫૦ ફૂટ રીંગ રોડ કે ગોંડલ ચોકડીએ જવાની જરૂરત રહેશે નહી. આ કામ પૂર્ણ થતા હવે ગોંડલ ચોકડીએ પણ ટ્રાફિકનું ભારણ હળવું થઇ જશે. આ પ્રસંગે શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન અમિત અરોરા દ્વારા કરવામાં આવેલ હતી. સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ દ્વારા મંચ પરના મહાનુભાવોનું પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. જયારે કાર્યક્રમના અંતે આભારવિધિ બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલે કરેલ હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.