રાજકોટ માં મહાનગરપાલિકાએ ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાનો પ્રારંભ કરાયો

રાજકોટ માં મહાનગરપાલિકાએ ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાનો પ્રારંભ કરાયો.
રાજકોટ : દેશના માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં દેશના ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વિના મુલ્યે વેક્સીન આપવાનો કરેલ નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૩-૧-૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦ કલાકથી જસાણી સ્કૂલ, પી.ડી.એમ.કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તા.૩૧-૧૨-૨૦૦૭ ના રોજ અથવા તે પહેલા જન્મેલા બાળકોને આ વેક્સીનેશનમાં આવરી લેવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ડે.મેયરશ્રી ડૉ.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, શાસકપક્ષ નેતાશ્રી વિનુભાઈ ઘવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડનં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડનં.૧૩ના પ્રમુખ કેતનભાઈ વાછાણી, ડે.કમિશનર આશિષકુમાર, આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વાજા, જસાણી સ્કુલના પ્રિન્સીપાલ તથા સ્ટાફ ઉપસ્થિત રહેલ. આ વેક્સિનેશનમાં કુલ આશરે ૮૦,૦૦૦ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. વેક્સીન લેવા આવનાર બાળકોનું સ્થળ ઉપર જ (ઓન ધ સ્પોટ) રજીસ્ટ્રેશન કરવામાં આવશે. બાળકોએ રસી લેવા માટે આધારકાર્ડ સ્કુલનું આઈ-કાર્ડ રજુ કરવાનું રહેશે, ઉપરાંત બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફોન નંબર આપવાનો રહેશે. વિશેષમાં આ વેક્સીનેશનમાં કુલ ૩૧૭થી વધુ શાળાઓ, કોલેજ, ITI કોલેજના બાળકોને કુલ ૪૦૦ મેડીકલ ટીમ દ્વારા કુલ ૮૦,૦૦૦ જેટલા વેક્સીન આપવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલ વેક્સીનેશનમાં ૭૧ સ્કુલના ૧૫૦૦૦ બાળકોને આવરી લેવામાં આવશે. બાળકો માટેના આ રસીકરણ અભિયાન તા.૯ સુધી ચાલશે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૯૩ ટીમ દ્વારા વિવિધ ૭૧ સ્કૂલોમાં વેક્સીનની કામગીરી ચાલી રહી છે. બપોરના ૧ વાગ્યા સુધીમાં ૮૦૨૧ બાળકોને વેક્સીન આપવામાં આવેલ. આજરોજ ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેક્સીન આપવાની કામગીરીનો પ્રારંભ થતા મેયર ડૉ.પ્રદીપ ડવ સામાજિક પ્રસંગના કારણે બહારગામ હોય આ પ્રંસગે ઉપસ્થિત રહી શકેલ નથી. તેઓએ વેક્સીનની કામગીરીને શુભેચ્છા પાઠવેલ અને ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકો વેક્સીનનો ડોઝ લઈ લેવા અપીલ કરેલ.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.