શ્રી મોટનેશ્વર મહાદેવ મંદિર દેવસ્થાન મટોડા

શ્રી મોટનેશ્વર મહાદેવ મંદિર દેવસ્થાન મટોડા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ખેડબ્રહ્માથી 10 કિલોમીટર દૂર અંબાજી હાઈવે પર આવેલા મટોડા ગામ મોટનેશ્વર મહાદેવ મંદિર થકી પ્રસિદ્ધ છે.
ગામની પૂર્વ ભૂગોળે તળાવ કિનારે સુંદર રમણીય સ્થાનમાં આવેલા આ શિવાલય સંકુલમા કુલ 13 શિવલિંગો ધરાવતા મંદિરો આવેલા છે, જેથી આ સ્થાને તેર લિંગ મહાદેવ તરીકે પણ ઓળખાય છે, વિશાળ જગ્યામાં આવેલા આ પરિસરમાં દરેક શિવલિંગ માટે અલગ અલગ મંદિર છે ભારત ભરમાં આવેલા મુખ્ય જ્યોતિર્લિંગોના પ્રતીક સમા આ શિવલિંગોના આકારમાં પણ વિવિધતા જોવા મળે છે.
મુખ્ય શિવલિંગ મૂર્તિ આકારનું છે. આશરે ત્રણ ફૂટની ઊંચાઈ અને 1×1 ફૂટની પહોળાઈ ધરાવતું આ શિવલિંગ કોઈ જટાધારી મહર્ષિની પ્રતિમા સમાન લાગે છે, પીળાશ પડતા રંગના વિશિષ્ટ પ્રકારના પથ્થરમાંથી આ મૂર્તિ બનાવેલ છે.પરિસરમાં રહેલા અવશેષ રૂપ પ્રાચીન નંદી મૂર્તિના પથ્થર નો પ્રકાર પણ આ શિવમૂર્તિને મળતો આવે છે.કદાચ કોઈ કાળે આ નંદી મુખ્ય શિવમૂર્તિ આગળ સ્થાપિત હશે એમ માનવામાં આવે છે. આ શિવમૂર્તિના નીચેની બાજુ ચારે તરફ શિવપુરાણ પ્રસંગો કંડારાયેલા જોવા મળે છે,કાળક્રમે ઘસારાને લીધે હાલમાં અસ્પષ્ટ રૂપે દેખાય છે. પરંતુ કોઈ સમયે અત્યંત સુંદર રીતે કંડારી ને બનાવેલ હશે જે એની પ્રાચીનતા સ્વયંસિદ્ધ કરે છે. ઉપરાંત આક્રમણ કારોના ભોગ બન્યાની નિશાનીઓ પણ જોવા મળે છે. આ શિવ મૂર્તિ અતિ પ્રાચીન માનવામાં આવે છે. આ અંગેનું કોઈ ચોક્કસ પ્રમાણભૂત લખાણ કે શિલાલેખ વગેરે કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ આ સમગ્ર વિસ્તારના ઉલ્લેખ ધરાવતા ઐતિહાસિક ગ્રંથો દુર્લભ પુસ્તકો તેમજ પ્રચલિત લોક માહિતીના આધાર પર આ સ્થાનના ઐતિહાસિક મહત્વને જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
આ શિવમૂર્તિ લગભગ 5000 વર્ષ કરતાં વધુ પ્રાચીન મહાભારત કાળના સમયની હોવાનું માનવામાં આવે છે. કુંતા માતા દ્વારા મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી એવી લોકમાન્યતા છે. ત્યારે આ એક જ શિવાલય હશે, અને એ સમયે એની ભવ્યતા ચરમ સીમાએ હશે, એવું માની શકાય તેમ છે. અન્ય બાર શિવલિંગોની સ્થાપના એ પછી ઘણા સમય બાદ કરવામાં આવી હશે, કારણ કે મુખ્ય શિવલિંગ અને અન્ય શિવલિંગોના પથ્થરોની ગુણવત્તા અને શિલ્પકાર્યમાં સમયનો તફાવત સ્પષ્ટ જણાય છે.
ભાવિક ભક્તો દ્વારા મુખ્યત્વે આ શિવલિંગની પૂજા અર્ચના કરાય છે. પાર્વતીજી ગણપતિજી હનુમાનજી નંદી કાચબાજી વગેરેની આરસની મનોહર મૂર્તિઓ અહીં પ્રાણ પ્રતિષ્ઠિત કરેલ છે.તાજેતરમા મંદિર ટ્રસ્ટ તથા ગ્રામજનો ના સહયોગથી વિકાસકાર્યો કરવામા આવેલ છે,જેમા ગાર્ડન, વિશાળ પાર્કીગ, બાળકો માટે રમત ગમતના સાધનો,લાઇબ્રેરી,રસોઈઘર, પાણીની સુવિધા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.પવિત્ર શ્રાવણમાસ મા વિશાળ સંખ્યામા ભાવિકો દર્શનનો લાભ લે છે. પરિસરમાં પ્રવેશ કરતા પવિત્ર શાંતિનો અનુભવ થાય છે.
રિપોર્ટ :- રાહુલ બી ચૌધરી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756