ગિરિડીહમાં 3 નક્સલી ઠાર, 1 CRPF જવાન શહીદ

ઝારખંડના ગિરિડીહમાં સેના અને નક્સલીઓ વચ્ચે સોમવારે સવારે અથડામણ થઈ. આ ઘટનામાં CRPFએ 3 નક્સલીઓને ઠાર માર્યા છે. અથડામણમાં CRPFનો એક જવાન પણ શહીદ થઈ ગયો.
ગિરિડીહ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે, જ્યાં નક્સલી વારંવાર વહીવટીતંત્રના કામકાજને પડકાર આપતા રહ્યા છે. સોમવારે આ અથડામણમાં નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક, એક AK-47 રાઈફલ, 3 મેગઝીન અને 4 પાઈપ બોમ્બ પણ જપ્ત કરાયા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સોમવારે સવારે લગભગ 6:15 વાગે ગિરિડીહના બેલભા ઘાટ વિસ્તારમાં CRPFની 7મી બટાલિયને નક્સલીઓ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવ્યુ. આ કાર્યવાહીમાં બંને તરફથી ગોળીબારી થઈ. જેમાં CRPFએ 3 નક્સલીઓને ઠાર માર્યા. આ વિશેષ અભિયાનમાં CRPFનો એક જવાન પણ શહીદ થઈ ગયો.
અગાઉ 3 માર્ચે સેનાએ ગિરિડીહ જિલ્લામાં ઈન્પ્રોવાઈઝ્ડ એક્પ્લોસિવ ડિવાઈસ અને અન્ય વિસ્ફોટક જપ્ત કર્યા. પોલીસે કહ્યુ કે CRPF સાથે મળીને ચલાવવામાં આવેલા એક સંયુક્ત અભિયાન હેઠળ ગિરિડીહ જિલ્લાના પારસનાથ હિલની પાસે મોહનપુરના જંગલોમાં તપાસ અભિયાન ચલાવીને લગભગ 15 કિલોગ્રામ IED, સેંકડો કારતૂસ, નક્સલી સાહિત્ય અને અન્ય વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યુ કે નક્સલીઓના રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન આ વિસ્ફોટકોનો ઉપયોગ કરવાનો ઈરાદો હતો.