કાગબાપુના કંઠ,કવિતા,કહેણી અને કરણીમાં રામ હતાં : પુ.મોરારિબાપુ

કાગબાપુના કંઠ,કવિતા,કહેણી અને કરણીમાં રામ હતાં : પુ.મોરારિબાપુ
કાગ ઉત્સવમાં પાંચ લોકસાહિત્યમર્મીઓને કાગ એવોર્ડ એનાયત
અમરેલી જિલ્લાના મજાદરના એ સપૂત કે જેણે લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમા પોતાની વિદ્વતાનો પરિચય આપીને પદ્મ પુરસ્કાર સુધીની સફર તો ખેડી પરંતુ સમગ્ર વિશ્વના લોકહ્રદયમાં જેઓ કાયમ અનેક આયામોથી જીવંત છે તેવા કવિ શ્રી દુલાભાયા કાગની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે પૂ. મોરારીબાપુની પ્રેરણાથી કાગ ઉત્સવનું આયોજન તેમના પૈત્રિક વતન મજાદર ખાતે થાય છે. ફાગણ સુદ ચોથના દિવસે ઉજવતો આ ઉત્સવ કાગચોથ તરીકે ઓળખાતો થયો છે.
વિગતો મુજબ ચાલુ વર્ષે કાગ ઉત્સવનું આયોજન 13 માર્ચના રોજ મજાદરના લોક કવિ કાગબાપુના આંગણિયે તેમના પરિવારજનો અને બાબુભાઈ કાગના નિમંત્રણથી થયું હતું. જેમાં પ્રથમ બેઠકમાં” કાગને ફળિએ કાગની વાતું ” મા કવિ કાગના જીવન,કવન અને તેમના લોકસાહિત્ય સર્જન પર દર વર્ષે એક વિદ્વત વ્યક્તિનું માંગલિક ઉદબોધન થાય છે. તેમાં ચાલુ વર્ષે વિચારક, લેખક અને વહીવટી અધિકારી અને કવિ કાગના પરિવાર સાથે જેમનો ગાઢ નાતો રહ્યોં છે તેવા શ્રી પ્રવિણ લહેરીના સંબોધનથી થયો.શ્રી પ્રવિણભાઈએ કાગબાપુના પોતાના પિતાજી સાથેના સંસ્મરણો તેમનું પૈત્રિક વતન રાજુલા અને તેમની નજીકનું ગામ એટલે મજાદર તેથી કાગબાપુ પોતાના ઘરે હંમેશા ઘોડી લઈને આવતા.તેમના પિતાજી સાથે અનેક પ્રકારના લોકજીવન અને સાહિત્યના સંવાદોના પોતે સાક્ષી બન્યાં છે તેમ જણાવ્યું.પોતે જે અનુભવોમાંથી પસાર થયાં છે તે બધાનું કથન બખૂબી તેઓએ કર્યું હતું.
રાત્રિની બીજી બેઠકમાં દર વર્ષે પાંચ મર્મીઓને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં રૂપિયા 51 હજારની રાશિ અને પ્રશસ્તિપત્ર, શાલ એનાયત થાય છે. ચાલુ વર્ષે આ એવોર્ડ લોક સાહિત્યકારો શ્રી લાખણશીભાઈ ગઢવી તથા શ્રી દેવરાજભાઈ ગઢવી અને લોકસાહિત્યના સર્જકો શ્રી રાજુલ દવે અને સ્વર્ગસ્થ શ્રી મનુભાઈ જોધાણી તથા રાજસ્થાનના ગિરધરદાન દાસોડીને અર્પણ થયો.
પૂ.મોરારિબાપુએ પ્રાસંગિક કથનમાં કહ્યું કે કવિ કાગબાપુના કંઠમાં, કવિતામાં, કહેણીમાં અને કરણીમાં સદાય રામ રમતાં હતાં.અને બાપુએ તેમના જીવનના ઉત્તમ પ્રકારના સદગુણો નિરંકુશપણુ,નિષ્કલંકપણુ, નિસ્પૃહા, નિર્લેપ, નિરાલંબ વગેરેનો ઉલ્લેખ કરીને તેમના વિવિધ પ્રકારના કર્તૃત્વની વંદના કરી. બાપુએ ઉમેર્યું કે ચારણ એ આચાર છે.અને આપણે સૌ સૌ એ આચારને સદા જીલીએ છીએ. કાગબાપુના આ સદગુણો કઈ કઈ રીતે સમાજમાં દેખા દેતાં હતાં તેમનું પ્રવાહી વર્ણન પૂ. બાપુએ કર્યું હતું.તેમની સાથેના સંસ્મરણો પણ વાગોળ્યા હતાં.
આ પ્રસંગે પત્રકાર રાજુલ દવે તથા રાજસ્થાનના ગિરધરદાન દાસોડીએ પોતાની પ્રાસંગિક વાતની પ્રસ્તુતિ કરી હતી. કવિ શ્રી દાસોડીએ રાજસ્થાની ભાષા માન્ય ભાષાના દરજ્જામાં નથી તેની પીડા વ્યક્ત કરીને તેને માન્યતા માટે બાપુ સહિત ઉપસ્થિત સર્વે વિદ્વાનોને ગુહાર લગાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્ય ક્ષેત્ર સાથે વર્ષોથી સંકળાયેલાં શ્રી બળવંતભાઈ જાનીએ કર્યું હતું. મજાદરની વ્યવસ્થામાં કાગ પરિવારના શ્રી બાબુભાઈ કાગ અને શ્રી જયદેવભાઈ કાગ વગેરે જોડાઈને સૌ આગંતુકોનું ઉત્તમ આતિથ્ય કર્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી કાગપ્રેમીઓ તથા લોક સાહિત્ય ક્ષેત્ર, ચારણી સાહિત્યમાં પોતાનું પદાર્પણ કરતાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.રાત્રિની બેઠકમાં લોકસાહિત્યનું આચમન લોક ડાયરા દ્વારા અનેક કલાકારોને એ કરીને સૌને રસ તરબોળ કર્યા હતાં.
રિપોર્ટ : હરેશ જોશી, કૂંઢેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300