ક્ષીરસાગરનો કાચબો કેવી રીતે બન્યો ગંગાઘાટનો કેવટ

ક્ષીરસાગરનો કાચબો કેવી રીતે બન્યો ગંગાઘાટનો કેવટ
ભગવાન શ્રીરામનો અનન્ય ભક્ત કેવટે ચૌદ વર્ષના વનવાસ માટે વનમાં જતાં ભગવાન શ્રીરામ-સીતાજી અને લક્ષ્મણજીને પોતાની નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી.જેની કથાનું વર્ણન રામચરિત માનસના અયોધ્યાકાંડમાં કરવામાં આવ્યું છે.કેવટના પૂર્વજન્મની કથા જોઇએ..
ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા ઉપર વિશ્રામ કરી રહ્યા હતા અને માતા લક્ષ્મીજી તેમના પગ દબાવી રહ્યાં હતાં.ભગવાન વિષ્ણુના જમણા પગનો અંગૂઠો શૈયાની બહાર આવી ગયો અને દરીયાની લહેરો સાથે રમત રમે છે.ક્ષીરસાગરમાં રહેતા એક કાચબાએ આ દ્રશ્ય જોયું અને તેના મનમાં વિચાર આવ્યો કે જો હું ભગવાન વિષ્ણુના અંગૂઠાનો મારી જીભથી સ્પર્શ કરી લઉં તો મારો મોક્ષ થઇ જાય તેવો વિચાર કરી તે આગળ વધે છે.
શેષનાગે ભગવાન વિષ્ણુ તરફ કાચબાને આવતો જોયો તેથી તેને ભગાડવા માટે જોરથી ફુંફાડો માર્યો એટલે કાચબો ત્યાંથી ભાગીને છુપાઇ જાય છે.થોડા સમય પછી શેષજીનું ધ્યાન હટ્યું કે કાચબાએ ફરીથી આવીને ભગવાનના ચરણસ્પર્શનો પ્રયાસ કર્યો તો આ વખતે લક્ષ્મી માતાએ તેને ભગાડ્યો. ત્રીજીવાર કાચબાએ પ્રભુ ચરણનો સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને શેષનાગે જોરથી ડંખ માર્યો તેવા જ કાચબાના રામ રમી ગયા.
પ્રભુ ચરણનો સ્પર્શ કરવાની ઇચ્છા અધુરી રહી અને મરણ પામેલ કાચબાએ અનેકવાર અનેક યોનિઓમાં જન્મ લીધો અને પ્રત્યેક જનમમાં ભગવાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો રહ્યો અને પોતાના તપોબળથી તેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી લીધી.કાચબાને ખબર હતી કે ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ રામરૂપે, શેષજી લક્ષ્મણજીના રૂપમાં અને માતા લક્ષ્મીજી સીતાજીના રૂપમાં અવતાર ધારણ કરશે અને વનવાસ દરમ્યાન તેમને ગંગા પાર ઉતરવાની આવશ્યકતા પડશે એટલે આ કાચબો જ કેવટના રૂપમાં જન્મ લે છે. એક યુગથી વધુ સમય સુધી તપસ્યા કરવાના કારણે તેણે પ્રભુના તમામ મર્મને જાણી લીધા હતા એટલે તે ભગવાન શ્રીરામને કહે છે કે હું તમારા મર્મને જાણું છું.
આપની ચરણરજમાં એવો જાદું છે કે જેનો સ્પર્શ થતાં પત્થરની શિલા સુંદર સ્ત્રી બની ગઇ હતી (શલ્યામાંથી અહલ્યા બની હતી) જ્યારે મારી નાવ તો લાકડાની છે.મારી નાવ સ્ત્રી બની જાય તો મારી આજીવીકા છીનવાઇ જશે.આ નાવથી મારા સમગ્ર પરીવારનું ભરણપોષણ થાય છે.
સંત શ્રી તુલસીદાસજી આ તથ્યને જાણતા હતા એટલે પોતાની ચોપાઇમાં કેવટના મુખથી કહેવડાવે છે કે..કહહિ તુમ્હાર મરમુ મૈં જાના.. ફક્ત આટલું જ નહી કેવટ આ અવસરને પોતાના હાથથી ગુમાવવા માંગતો નહોતો.તેને યાદ હતું કે શેષનાગ ક્રોધ કરીને તેને ફુંફાડા મારીને ડરાવતા હતા તે જ શેષનાગ અત્યારે લક્ષ્મણજીના રૂપમાં અવતાર ધારણ કર્યો છે અને તે મારી ઉપર બાણ પણ ચલાવી શકે તેમ છે પરંતુ કેવટને હવે ભય નહોતો,તે લક્ષ્મણના તીરથી મરવા તૈયાર હતો પરંતુ આવેલો અવસર ગુમાવવા માંગતો નહોતો.આ વિશે વિદ્વાન સંત શ્રી તુલસીદાસજીએ લખ્યું છે કે હે નાથ ! હું આપના ચરણકમળ ધોઇને આપ લોકોને નાવ ઉપર ચઢાવીશ.હું આપની પાસે ઉતરાઇ પણ નહી લઉં. હે રામ ! મને આપની દુહાઇ અને દશરથજીના સોગંદ છે.હું આપને આ સત્ય કહું છું.ભલે લક્ષ્મણજી મને તીર મારે પરંતુ જ્યાંસુધી હું આપના પગ ધોવું નહી ત્યાં સુધી હું આપને ગંગા પાર નહી ઉતારૂં..
તુલસીદાસજી આગળ લખે છે કે કેવટના પ્રેમથી લપટાયેલા વચનો સાંભળી કરૂણા સાગર ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીની સામે જોઇને હસ્યા.જાણે કે તેઓ પુછતા હોય કે બોલો હવે શું કરૂં? તે સમયે તો ક્ષીરસાગરનો કાચબો ફક્ત અંગૂઠાનો સ્પર્શ કરવા ઇચ્છતો હતો અને તમે લોકોએ તેને મારીને ભગાડી મુક્યો હતો અને હવે તે કેવટ બનીને આવ્યો છે અને બંને પગ માંગી રહ્યો છે.
કૃપાસાગર ભગવાન શ્રીરામ કહે છે કે કેવટ ! તારી નાવને હાની ન પહોંચે તે પ્રમાણે કર.અમોને મોડું થાય છે માટે પાણી લાવીને ચરણ પખાડી અમોને ગંગા પાર ઉતારી દે.જેના નામનું એકવાર સ્મરણ કરવા માત્રથી મનુષ્યો અપાર ભવસાગરનો પાર પામે છે.ભગવાનની આજ્ઞા મળતાં કેવટ લાકડાની કથરોટમાં પાણી ભરીને લાવ્યો.ભગવાનના ચરણ ધોઇને સમગ્ર પરીવાર સહિત ચરણામૃતનું પાન કરી અને તે જળથી પોતાના પિતૃઓનું તર્પણ કરી તેમને ભવસાગરથી પાર ઉતાર્યા અને પછી આનંદપૂર્વક પ્રભુ શ્રીરામને ગંગા પાર લઇ ગયો.
જ્યારે કેવટ ભગવાનના ચરણ ધોઇ રહ્યો હતો તે સમયનો પ્રસંગ જોઇએ..
કેવટ ભગવાનનો એક પગ ધોઇને તેને કથરોટની બહાર મુકતો હતો ત્યારે પગ ભીનો હોવાથી નીચે મુકતાં જ ધૂળ ચોટતી હતી.આમ સાતવાર વારાફરતી પગ ધોવા છતાં સમસ્યા ઉભીને ઉભી છે એટલે કેવટ કહે છે કે પ્રભુ તમારો એક પગ કથરોટમાં મુકો અને બીજો પગ મારા હાથમાં મુકો એટલે ધૂળ ના ચોંટે અને પડી જવાની બીક લાગે તો તમારા બંન્ને હાથ મારા મસ્તક ઉપર મુકો.ત્યારે ભગવાન કહે છે કે ભાઇ કેવટ ! આજે મારી અંદરનું અભિમાન દૂર થયું છે.ત્યારે કેવટ કહે છે કે પ્રભુ તમે આ શું બોલી રહ્યા છો? ત્યારે ભગવાન કહે છે કે કેવટ ! અત્યાર સુધી હું એવું માનતો હતો કે હું મારા ભક્તોને પડતાં હું બચાવું છું પણ એ મારૂં અભિમાન દૂર થયું છે.
ગંગા પાર ઉતરી ભગવાન શ્રીરામ,સીતાજી અને લક્ષ્મણજી નદીની રેતીમાં ઉભા છે.કેવટ આવીને પ્રભુને દંડવત પ્રણામ કરે છે તે સમયે પ્રભુને સંકોચ થાય છે સામાન્ય માણસો કેવટની નાવમાં બેસીને ગંગા પાર કરતા હશે તેઓ કેવટને કંઇક ઉતરાઇ આપતા હશે અને મેં કેવટને કંઇ આપ્યું નથી.તે સમયે પતિના હ્રદયને જાણનારા સીતાજીએ આનંદથી પોતાની મણીમય મુદ્રિકા(વીટીં) કાઢીને કેવટને ઉતરાઇના રૂપમાં આપવા ભગવાનને આપે છે ત્યારે કેવટ કહે છે કે હે નાથ ! આજે મને શું મળ્યું નથી? મારા પાપો, દુઃખ અને દારિદ્રય ટળી ગયાં છે, બીજું મારે શું જોઇએ? ઘણા સમયથી મેં મજૂરી કરી છે તેનો વિધાતાએ આજે મને ભરપૂર બદલો આપ્યો છે.બીજું મારે કંઇ જોઇતું નથી પરંતુ આપ મને કંઇક આપવા જ ઇચ્છતા હો તો આપ જ્યારે વનવાસથી પાછા આવો ત્યારે જે પ્રસાદરૂપે મને આપશો તેનો હું સ્વીકાર કરીશ.તે સમયે પ્રભુએ કેવટને વિમલ ભક્તિરૂપ વરદાન આપીને તેને વિદાય કર્યો.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300