ખેરગામ : જર્જરિત આંગણવાડીઓ બાબતે કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત.

ખેરગામ : જર્જરિત આંગણવાડીઓ બાબતે કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત.
Spread the love

ખેરગામ : સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જર્જરિત આંગણવાડીઓ બાબતે કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત.

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામ,વાંસદા,ચીખલી તાલુકાની જર્જરિત આંગણવાડીઓ બાબતે વહેલી તકે કાર્યવાહી કરવા માટે નવસારી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

“એક બાજુ ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત” નું સૂત્ર ચારેબાજુ ગુંજી રહ્યું છે પણ ઉદાસીન તંત્રના ભોગે ખેરગામ તાલુકાની 21,ચીખલી તાલુકાની 80,વાંસદા તાલુકાની 73 જેટલી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાથી ભણશે ગુજરાત પણ ક્યા બેસીને ભણશે તેનો મોટો પ્રશ્ન નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સતાવી રહ્યો છે.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આવી જર્જરિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકોનો વાંક એટલો જ હોય છે કે તેઓએ એવા ગરીબ માંબાપના ઘરે જન્મ લીધો હોય છે કે જે લોકો રોજનું કમાઈને લાવીને પરિવારનું પેટ ભરનારા હોય છે

તેથી એવા વાલીઓ પાસે ન તો વિરોધ કરવાનો સમય હોય છે કે ન તો અન્યાય વિરુદ્ધ રજૂઆત કરવા જેટલું કાયદાકીય જ્ઞાન હોય છે અને અમારા જેવા જો કોઈ આવા અન્યાયનો વિરોધ કરવા જાય તો તદ્દન ખોટા કેસો કરી અવાજ કચડવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી,આથી ડરના લીધે મોટાભાગના લોકો વિરોધ કરવાનું ટાળતા હોય છે.અને આ જ ડરનો તંત્ર હંમેશા ગેરલાભ ઉઠાવી ગરીબોનું શોષણ અને દમન કરતું હોય છે અને ગરીબોને મળવા પાત્ર લાભોથી વંચિત રાખવામાં આવતા હોય છે.

વિનામૂલ્યે ગુણવતાયુક્ત શિક્ષણ એ દરેક ભારતીય નાગરિકનો બંધારણીય અધિકાર છે અને રાજયની ફરજ છે.અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણું વિકસિત ગણાતું ગુજરાત રાજય કુપોષણમાં દેશમાં આગવું સ્થાન ધરાવે છે તેમાં પણ ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી ક્ષેત્રોમાં તો કુપોષણના વરવા ચિત્રો જોવા મળે છે.

આંગણવાડીઓનો મુખ્ય મકસદ ભણતર સાથે ભોજનનો પણ છે જેથી નાનકડું ગરીબ બાળક કુપોષણમાંથી મુક્ત થાય પરંતુ આવી રીતે અપૂરતી સુવિધાઓથી ડ્રોપઆઉટનો દર વધતો રહેતો હોવાથી આંગણવાડી હોય કે પ્રાથમિક શિક્ષણના વિનામૂલ્યે ગુણવતાયુક્ત શિક્ષણનું ગળું ઘૂંટાય રહ્યું છે.

તેલંગાણા રાજયના નારપાનેનીપાલ્લે વિસ્તારમાં આવેલ સરકારી શાળામાં એકમાત્ર વિદ્યાર્થીની કિર્થના માટે શાળા ચલાવવામાં આવે છે જયારે જાપાનમાં એકમાત્ર વિદ્યાર્થીની શાળામાં જઇ શકે એ માટે બાળકીનું ભણતર પૂરુ થયું ત્યાંસુધી એક જ યાત્રી એવા નાનકડા બાળક માટે જાપાન સરકાર દ્વારા ટ્રેન ચાલુ રાખવામાં આવી હતી.ત્યારે આટલુ સમૃદ્ધ રાજય હોવા છતાં ગુજરાત કેમ ગરીબ બાળકોને યોગ્ય છત્ર આપવામાં નિષ્ફ્ળ જઇ રહ્યું છે તે સમજ ની બહાર ની વસ્તુ છે.

ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અઘ્યક્ષ તરીકે કલેકટરશ્રીની જવાબદારી બનતી હોય છે કે જિલ્લાના ગરીબ બાળકો ભયમુક્ત રીતે સરખું ભણી અને પોષણયુક્ત આહાર લઈને દેશના મહાન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ ક્લામજીની માફક કે નવસારી કલેકટરની માફક કલેકટર કે ડોક્ટર,એન્જીનીયર કે કોઈપણ ઉમદા વ્યક્તિ બની શકે એ દિશામાં યોગ્ય પ્રયત્નો થવા જોઈએ,બાકી આ પત્ર સીડીપીઓમાં ફોરવર્ડ કરવાથી કશું જ યોગ્ય નિકાલ આવવાનો નથી માત્ર એક ફોર્માલિટી અને પત્રવ્યવહારની પ્રક્રિયા પૂર્ણ થશે અને એલોકો ઉપરથી ગ્રાન્ટ નથી ની જ વાતો કરશે પણ કલેકટરશ્રી જો યોગ્ય પગલાં લેવા ધારે તો તમામ આંગણવાડીઓ સરખી થઈ શકે એમ છે માટે જિલ્લાના સમાહર્તા વડા તરીકે ગરીબ બાળકોના બેલી બનીને ન્યાય અને હક અપાવશો અન્યથા પ્રજાના હક-અધિકાર માટે જનઆંદોલન કરવું પડશે અને એના લીધે કાયદો વ્યવસ્થા ખોરવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તે વાત તંત્ર ધ્યાને લે.

રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!