DGP શિવાનંદ ઝાએ સુરતના અડાજણના PI, PSI અને છોટા ઉદેપુરના PIને સસ્પેન્ડ કર્યા…!

ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવે છે કે, ગુજરાતમાં ચુસ્તપણે દારૂબંધીના કાયદાનું પાલન કરવામાં આવે છે પરંતુ જ્યારે-જ્યારે સ્ટેટ વિજિલન્સ ટીમ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ પાડે છે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર ઘણા સવાલો ઊઠે છે. પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ વિજિલન્સની ટીમ દ્વારા લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અડ્ડાઓ પરથી કબજે કરવામાં આવે છે. આ પ્રકારના કિસ્સાઓમાં ઘણીવાર સ્થાનિક પોલીસ સ્ટેશનના PI અથવા તો PSIને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ પોલીસ વડા દ્વારા કરવામાં આવે છે, ત્યારે હવે આ પ્રકારની કાર્યવાહી સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના PI અને PSI પર કરવામાં આવી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં દારૂના અડ્ડા ઉપર વિજીલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અડાજણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલતા હોય અને સ્થાનિક પોલીસ સ્ટેશનના PI અને PSI દ્વારા કોઇ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનના PI એમ.એમ.ચૌધરી અને PSI આર.કે.કામબરીયા પર તાત્કાલિક કાર્યવાહી કરીને ફરજ પરથી બરતરફ કર્યા છે. બીજી તરફ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના PIને પણ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના PI ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન ન કરતા હોવાની ફરિયાદ રાજ્ય પોલીસ વડાને મળતા તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)