જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી
”જે સરકારી કચેરીઓના વીજળીના બિલ અને પ્રોપર્ટી ટેક્સ ભરવામાં સમય મર્યાદા નહીં જળવાય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે” : મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડો.ઓમ પ્રકાશ
જૂનાગઢ : જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડો.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં વંચિતોને સહાય સમયસર મળી જાય, જન્મ મરણ નોંધણી, વિવિધ જાહેર સ્થળોએ બ્યુટીફીકેશન કરાવવા, જમીન માપણી, જાહેર રસ્તા પહોળા કરાવવા, દબાણ હટાવ કામગીરી, ખેડૂતોને માવઠાંનું વળતર મળે, નવા પશુ દવાખાના ખોલવા, સસ્તા અનાજની નવી દુકાનો ખોલવી, ઘઉં સહિત અન્ય ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, સરકારી કચેરીઓના સમારકામ, સરકારી ક્વાર્ટરના રીનોવેશન વગેરે પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓએ જવાબ રજૂ કર્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને સુનિશ્ચિત સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને નિર્દેશ આપ્યાં હતા.
તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમુક સરકારી કચેરીઓ દ્વારા વીજળી, પાણીના બિલ સમયસર ભરપાઈ કરવામાં આવ્યા નથી. જેનાથી કચેરી કામગીરીમાં માઠી અસર થાય છે અને લોકોના કામ પણ અટકી ગયા છે. આગામી તારીખ ૩૧ માર્ચ સુધીમાં જે જે કચેરીઓના પ્રોપર્ટી ટેક્સ અને અન્ય જે જે વેરા ભરવાના બાકી છે તેનો સમયગાળો આપવામાં આવે છે. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તે કચેરીઓને સીલ કરી દેવા સહિતના તાકીદ કરવામાં આવશે. આ ઉપરાંત જયારે જયારે અરજદારો કે લોક પ્રતિનિધિઓ માહિતીની માંગણી કરે, સહાય માટે રજુઆત આવે ત્યારે સમયસર જે તે કચેરીઓ તેમને જવાબ આપે તેમ પણ જણાવ્યું હતું. આ તમામ બાબતોનું અતિ ગંભીર રીતે પાલન કરવામાં આવે તેમ તેઓશ્રીએ અંતમાં અનુરોધ કર્યો હતો.
ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટરશ્રી એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300