કૂપોષણના ભોરિંગને કેવી રીતે નાથવો…? ઉત્તર આપે છે બાળરોગ નિષ્ણાંત ડો. શીલા અય્યર….

વડોદરા,
કૂપોષણ નિવારવું એક લાંબાગાળાની પ્રક્રિયા છે. આ માટે સૌ પ્રથમ તો માતા સ્વસ્થ-તંદુસ્ત અને કૂપોષિત ન હોવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સમાયાંતરે ચેકઅપ કરાવવાની સાથે સમતોલ વજનની કાળજી લેવી અનિવાર્ય બની રહે છે. પછીના તબક્કામાં નવજાત શિશુ ૬ માસ સુધી માત્ર માતાના દૂધ ઉપર નિર્ભર હોય છે. ૬ માસ પૂર્ણ થયા બાદ બાળકને પૂરક આહાર આપવાની શરૂઆત કરવી જોઈએ. આમા કોઈ મોઁઘો આહાર આપવાની જરૂરિયાત હોતી નથી પરંતુ ઘરમાં જ ઉપલબ્ધ હોય તેવો બાફેલા બટેટા- લીલા શાકભાજી, ઢીલી ખીચડી, રાબ જેવી બનાવેલી સુખડી, શીરો, દાળ-ભાત ઘી-તેલ સાથે, ઉપરાંત કેળા નિયમિત રીતે આપવા જોઈએ. આમ, બાળકને ઓછા ખોરાકમાં વધુ કેલરી મળી રહે તેવો પૂરક આહર આપવો જોઈએ. વધુમાં ડો. અય્યર ઉમેરે છે કે, કૂપોષણ નિવારવામાં માતાનુ દૂધ અકસીર છે. બાળક બે વર્ષનુ થાય ત્યાં સુધી પૂરક આહારની સાથે માતાનું દૂધ આપવુ અનિવાર્ય છે. તેમજ નાના બાળકોને ખાસ કરીને પેકેજિંગ ફૂડ દૂધ રાખવામાં આવે તો કૂપોષણના ભોરિંગને નાથવામાં ખાસ્સી મદદ મળી રહે તેમ છે.