ડીજીટલ યુગમાં પણ સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય

- ધો. નવથી બારના નેવું હજાર વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદ પર ૧૦મી રાજ્ય સ્તરીય લેખિત ક્વીઝ કોમ્પીટીશનમાં પરીક્ષા આપી, ૧૦૫ વિજેતા થયા, ૪૭ હજાર વિદ્યાર્થીઓને ૫૦ ટકાથી વધુ માર્કસ રામકૃષ્ણ આશ્રમમાં રવિવારે બપોરે એકથી ચાર દરમિયાન ગુજરાત શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે. શાહ અને જસદણના મહારાણી અલૌકિકારાજેના હસ્તે પારિતોષિક વિતરણ ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય તેવી ૧૨૦ સ્કુલના પ્રિન્સીપાલને પણ સન્માનિત કરાશે
યુવાનોના પ્રેરણાદાતા અને આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ૧૨મી જાન્યુઆરીના રોજ પ્રતિ વર્ષ વિશ્વ યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. તેના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્ર પ્રેમ અને ઉમદા નાગરિકત્વની ભાવના કેળવાય તે માટે સ્વામી વિવેકાનંદના જીવન વિષયક અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં દસમી રાજ્ય સ્તરીય લેખિત ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક જીલ્લામાંથી વિજેતા બનનારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને આ રવિવારે શિલ્ડ, સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો આકર્ષક સેટ ઇનામસ્વરૂપ આપવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે. શાહ અને જસદણના મહારાણી અ.સૌ. અલૌકિકારાજે ઉપસ્થિત રહેશે.
આ અંગે વિગતો આપતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે જણાવ્યું હતું કે, આ વર્ષે આ સ્પર્ધામાં નેવું હજાર વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ પોતાનામાં નેતૃત્વ અને ઉત્તમ નાગરિક બનવાના ગુણો કેળવી શકે તે માટે ખાસ આ સ્પર્ધા યોજાય છે. આ વર્ષે એક હજાર સ્કૂલમાંથી નેવું હજાર વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉમળકાભેર ભાગ લીધો હતો. જે શાળાના ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય તેવી ૧૨૦ સ્કુલના પ્રિન્સીપાલને આ કાર્યક્રમમાં વિશેષ સ્મૃતિચિહ્ન અને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ના સંપૂર્ણ સેટ વડે સન્માનિત કરાશે. સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ‘સ્વામી વિવેકાનંદ સંક્ષિપ્ત જીવન’’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું .
દિવાળીના વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓએ આ પુસ્તક વાંચીને વેકેશનનો સદુપયોગ કર્યો હતો. અને સાથોસાથ લેખિત ક્વીઝ કોમ્પિટિશનની તૈયારી પણ કરી હતી. આ સ્પર્ધા પહેલા શાળા કક્ષાએ,ત્યારબાદ જીલ્લા કક્ષાએ અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે યોજાઈ હતી. આ ત્રણે તબક્કાઓમાં વિદ્યાર્થીઓએ તેમને મળેલા પુસ્તકમાંથી જ જવાબ આપ્યા હતા. શાળા કક્ષાએ આ સ્પર્ધા ૧૨મી ડીસેમ્બર અને જીલ્લા કક્ષાએ ૧૬મી જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. સમગ્ર સ્પર્ધામાં રાજ્યભરની શાળાના પ્રિન્સીપાલ,સ્ટાફ તથા વિદ્યાર્થીઓનો ખુબ સુંદર સહયોગ મળ્યો હતો.
રાજ્ય તથા દરેક જીલ્લા કક્ષાના વિજેતાઓનો પારિતોષિક વિતરણ સમારંભ આગામી રવિવાર ૯મી ફેબ્રુઆરીના રોજ બપોરે એકથી ચાર દરમિયાન શ્રી રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં યોજાયો છે. જેમાં દરેક જીલ્લામાંથી પ્રથમ ,દ્વિતીય ,તૃતીય વિજેતા થનારા વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પરના બે વિજેતાઓને મળીને કુલ ૧૦૫ વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળના અધ્યક્ષ એ. જે. શાહ અને જસદણના મહારાણી અ.સૌ. અલૌકિકારાજેના હસ્તે ઇનામો અપાશે. ૫૦ ટકાથી વધુ ગુણ મેળવનારા સુડતાલીસ હજાર વિદ્યાર્થીઓને તેમની શાળા મારફત સર્ટીફીકેટસ મોકલી અપાયા છે. રાજ્યભરમાંથી વિજેતા વિદ્યાર્થીઓ આ સમારંભમાં પોતાના માતા પિતા સાથે ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)