ભાજપથી આખરે એવી શું ભૂલ થઈ કે રાજકોટની તિરંગા યાત્રામાં જનસમુદાયને જોડવામાં નિષ્ફળતા સાંપડી…?

‘સિટીઝન એમેડમેન્ટ એક્ટ’ (સીએએ)ના સમર્થનમાં તાજેતરમાં રાજકોટમાં ભાજપ તેમજ રાષ્ટ્રીય એકતા સમિતિના નેજા હેઠળ તિરંગા યાત્રા નીકળી હતી. યાત્રાનાં આયોજનને લઈને છેલ્લા એક સપ્તાહથી તડામાર તૈયારીઓ ચાલતી હતી. તેના માટે એક નિશ્ચિત બજેટની ફાળવણી પણ કરવામાં આવી હતી. છતાં નાની-નાની વાતમાં સંપૂર્ણતાના આગ્રહી એવો ભાજપ પક્ષ અને નેતાઓ આ યાત્રામાં આમ આદમીને જોડવામાં નિષ્ફળ રહ્યાં હતાં. ભાજપ પોતાના એક લાખથી પણ વધુ સભ્યો હોવાના દાવા કર્યા છે. ત્યારે તે પૈકીનો એક પણ સભ્ય આ યાત્રામાં નજરે ચડયો ન હતો. રાજકોટ શાંતિપૂર્ણ શહેર છે.
રાજ્યનાં અન્ય મહાનગરો તુલનાએ આ શહેરે હંમેશાં કોમી એખલાસભર્યું વાતાવરણ પૂરું પાડયું છે. અને કદાચ એટલે જ રાજકોટને રંગીલું અને મોજીલું શહેર કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે, રાજકોટમાં સીએએનો વિરોધ જ ન હતો. છતાં આ કાર્યક્રમ સાથે જનસમુદાયને જોડવા માટે આયોજકોએ મરણિયા પ્રયાસો કર્યા અને એટલા માટે જ આ યાત્રા શહેરના આમ આદમીને સ્પર્શી ન શકી. લોકોને બદલે વિદ્યાર્થીઓની હાજરી મુખ્ય જણાતી હતી. રેસકોર્સ પાર્કિંગમાં જ્યાં જુઓ ત્યાં સ્કૂલ બસો જ નજરે ચડતી હતી. સવાલ એ પણ થાય કે, શું ખાનગી શાળા સંચાલકોને દબાણમાં લાવીને એ વિદ્યાર્થીઓની ભીડ એકઠી કરવામાં આવી હતી.
યાત્રાના આયોજકોએ લાખોની સંખ્યામાં મેદની ઉમટશે તેવા દાવા કર્યા હતા. ગામેગામથી લોકો ઉમટશે તેવા બણગા ફૂંકવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ શહેરના દુકાનદારો અને વેપારીઓ પોતાના ધંધા-રોજગાર અડધો દિવસ બંધ રાખીને સ્વયંભૂ યાત્રામાં શામેલ થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી. આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા. ઉલટાનું મેદની ન હોવા છતાં શાસક અને સત્તાધારી પક્ષને નતમસ્તક થવામાં પાવરધી પોલીસે ઠેર-ઠેર જે માર્ગો બંધ કર્યા તેનાં કારણે અનેક લોકોને હેરાન-પરેશાન થવું પડયું હતું.
વેપારીઓ અને દુકાનદારોને પોતાના ધંધા-રોજગાર સ્થળે પહોંચવામાં ભારે અગવડતા વેઠવી પડી હતી. કોંગ્રેસે તો આ યાત્રાને ફ્લોપ શો ગણાવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂતે તિરંગા યાત્રાને ભાજપનો તાયફો ગણાવી હતી. અને ખરેખર એવું જ બન્યું હતું. મુખ્યમંત્રીએ જેવી વિદાય લીધી કે, તરત જ ભીડ વિખાવવા લાગી હતી. નાની-નાની વાતમાં સંપૂર્ણતાના આગ્રહી એવા ભાજપ પક્ષે એ પણ ન વિચાર્યું કે, યાત્રાનાં નામ પણ સ્કૂલના ભૂલકાઓને કલાકો સુધી તરસ્યા રહેવું પડયું હતું. આ એ જ નિર્દોષ બાળકો હતાં જેને સીએએ એટલે શું એ પણ ખબર ન હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)