ગુજરાતની 100 જેટલી લૉ કોલેજો પર આવશે તવાઈ, 2 વર્ષ માટે સસ્પેન્ડ થાય તેવા સંકેત

નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્ચ એજ્યુકેશન દ્વારા ગત વર્ષે કેટલીક B.Ed. કોલેજોને બંધ કરવામાં આવી હતી. કોલેજો બંધ કરવાનું કારણ એ હતું કે, કોલેજમાં પૂરતા પ્રમાણમાં શૈક્ષણિક સ્ટાફ રાખવામાં આવતો નહોતો. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્ચ એજ્યુકેશન બાદ હવે આ વર્ષે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આઠ પ્રોફેસર કરતા ઓછો શૈક્ષણિક સ્ટાફ ધરાવતી રાજ્યની લૉ ઇન્સ્ટીટયુટ અને લૉ કોલેજોને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ બાબતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ યુનિવર્સિટીના કુલપતિઓ, લૉ કોલેજના પ્રિન્સિપાલ અને ડીનને એક પરિપત્ર મોકલીને માહિતી આપવામાં આવી છે.
આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રૂલ્સ ઓફ લીગલ એજ્યુકેશન 2008 અનુસાર 3 વર્ષના કાયદાની બેચલર ડિગ્રીનો અભ્યાસક્રમ ચલાવતી કોલેજોમાં પહેલા વર્ષમાં 4 પ્રોફેસર, બીજા વર્ષમાં 6 પ્રોફેસર અને ત્રીજા વર્ષમાં 8 પ્રોફેસર હોવા જોઈએ. આ ઉપરાંત કોઈ સંસ્થા કે, કોલેજ સ્પેશિયલાઇઝેશન પ્રોગ્રામ ચલાવતી હોય તો તેમાં ઓછામાં ઓછા ત્રણ પ્રોફેસર હોવા જોઈએ. આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તે સંસ્થા કે, કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં અને કોલેજને નો–એડમિશન ઝોનમાં મૂકી દેવામાં આવશે.
આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એવું પણ જણાવ્યું છે કે, દરેક લૉ કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટમાં ફૂલ ટાઇમ પ્રિન્સિપાલ અથવા ડીન હોવા જોઈએ અને તેમની ભરતી અને પગાર UGCના નીયામો મુજબ થવા જોઈએ. પ્રિન્સિપાલ અથવા ડીન પગારની ચૂકવણી ચેક, RTGS અથવા NEFT મારફતે થઇ હોવી જોઈએ. આ તમામ બાબતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તમામ કાયદાની યુનિવર્સિટી, લૉ કોલેજ અને સંસ્થાઓને 15 દિવસના સમયમાં સોગંધનામું રજૂ કરી દેવાના આદેશ કર્યા છે.
આ બાબતે એવી માહિતી મળી રહી છે કે, ગુજરાતની 100માંથી એક પણ લૉ કોલેજ કે સંસ્થા આ પ્રકારનું સોગંધનામુ રજૂ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જેના પરિણામ ગુજરાતની 100 જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી લૉ કોલેજ આગામી શૈક્ષણિક સત્રથી બે વર્ષ માટે બંધ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)