મોડાસાના કુંડોલ ગામે લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને વર્ગખંડમાં બોલાવી અડપલાં કર્યા..!

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુંડોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો ભારે જે શિક્ષકના ખભે હોય છે તેવા શિક્ષકે જ કુમળી બાળાઓ સાથે અડપલાં કરતા હાહાકાર મચી ગયો છે. કુંડોલ ગામની પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષક અડપલાં કરતો હોવાની ફરિયાદથી વાલીઓએ શાળામાં એકઠાં થઈને હોબાળો મચાવ્યો હતો.
કુંડોલ ગામે પ્રાથમિક શાળામાં આજે વાલીઓએ શિક્ષક અડપલાં કરતો હોવાની ફરિયાદ સાથે હોબાળો મચાવ્યો હતો.
વાલીઓનો અને ખાસ કરીને માતાઓનો આક્ષેપ હતો કે શિક્ષક પ્રવિણ તેમની બાળકીઓ સાથે અડપલાં કરે છે.એક માતાએ જણાવ્યું, ‘અમે અમારી છોકરીઓને અહીંયા અભ્યાસ માટે મોકલીએ છીએ. શાળાનો શિક્ષક જે ભગવાના જેવો હોય તે આવી હરકતો કરે તે કેવી રીતે ચલાવી લેવાય’કુંડોલના રહેવાસી અન્ય મહિલાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘આ લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીઓને રૂમમાં એકલી બોલાવી અને તેના ગાલ પર ચુંબનો કર્યા હતા અને શરીરના અન્ય અંગોમાં હાથ ફેરવી અડપલાં કર્યા હતા. આવું તેણે અનેક વિદ્યાર્થિનીઓ સાથે કર્યુ છે’
નાનકડાં કુંડોલ ગામની પ્રાથમિક શાળામાં ઘટેલી ઘટનાથી ભારેલા અગ્નિની સ્થિતિ પેદા થઈ હતી. ગામના સૌ કોઈ લંપટ શિક્ષક પર ફીટકાર વરસાવતા શાળામાં એકઠાં થઈ ગયા હતા. હોબાળો થતા લંપટ શિક્ષકે શાહુકારી બતાવવાની કોશિશ કરી હતી. અને પોતે વિદ્યાર્થિનીનાં પિતા સમાન હોવાનું રટણ કરી રહ્યો હતો અને વિદ્યાર્થિનીઓને પિતા તરીકે સ્પર્શ કર્યો હોવાનું રટણ કરી અને માફી માંગી હતી.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)