સુરતમાં ઘરે પરત આવેલા વેવાઈ-વેવાણ ફરીથી ભાગી ગયા…!!

અગાઉ સુરતમાં વેવાઈ-વેવાણ ભાગી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વેવાઈ-વેવાણને લઇને ઘણા જોક્સ પણ બન્યા હતા. ભાગી ગયાના થોડા દિવસ પછી વેવાઈ-વેવાણ અલગ-અગલ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જો કે, વેવાણને તેના પતિએ સ્વીકાર કરવાનો ઇનકાર કરતા તે તેમના પિયર ચાલી ગઈ હતી. ત્યારબાદ સામાજિક આગેવાનોની સમજાવટ પછી વેવાણને તેનો પતિ સ્વીકારવા માટે તૈયાર થઇ ગયો હતો.બંને ઘરે પરત ફર્યા પછી તેઓ ગઈ કાલે બપોરના સમયે ફરી એક વખત ઘરેથી ભાગી ગયા છે. ત્યારે ફરી આ કિસ્સો ફરીથી ચર્ચામાં આવ્યો છે.
વેવાઈ ઘરે પરત ફર્યા પછી કહેતા હતા કે, વેવાણની જીંદગી મારા કારણે બગડી છે એટલા માટે હું તેને ફરી એક વાર ઘરે લાવવા માંગું છું. ત્યારે વેવાઈના ઘરેથી આ બાબતે ના પાડતા તેઓ બંને ફરીથી ભાગી ગયા છે. સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, વેવાઈ અને વેવાણ બંને પરિવારનો ત્યાગ કરીને સુરતના વરાછા વિસ્તારમાં એક ભાડેથી મકાન રાખીને તેમાં રહે છે.
વેવાઈ ભાવેશ (નામ બદલ્યું છે.) સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો હતો ત્યાંરે સામેની બિલ્ડીંગમાં વેવાણ ભાનું (નામ બદલ્યું છે.) રહેતી હતી. સામસામે રહેતા હતા ત્યારે બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી. મિત્રતા થયા પછી બંને અલગ-અલગ જગ્યા પર મળતા હતા. ત્યારબાદ ભાનુના લગ્ન નવસારીમાં થઇ ગયા અને બીજી તરફ ભાવેશના લગ્ન પણ થઇ ગયા. લગ્ન થઇ ગયા પછી બન્ને એકબીજાના સંપર્કમાં ન હોતા.લગ્નના થોડા વર્ષો પછી ભાવેશે ભાનુંને મામાને ત્યાં લગ્ન પ્રસંગમાં જોઈ અને ત્યારબાદ બંને વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઇ ગઈ હતી. મિત્ર તરીકે થોડી વાતચીત થયા પછી બંનેએ પોતાના દીકરા અને દીકરીની સગાઇ કરવાનું નક્કી કર્યું હતું. દીકરા અને દીકરીની સગાઇ પછી ભાનુંનો પતિ એક સંબંધીના કહેવાથી શંકા રાખીને સગાઇ તોડવાનો પ્રયાસ કરતો હતો. સગાઇ તૂટવાના કારણે સમાજના બદનામી થવાના ડરથી બંનેએ ઘર છોડીને ભાગી જવાનું નક્કી કર્યું હતું.
ભાવેશ અને ભાનુંએ 10 જાન્યુઆરીના રોજ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. ભાવેશ કોઈને કહ્યા વગર 10 જાન્યુઆરીના રોજ તેનું બુલેટ લઇને નવસારી ચાલ્યો ગયો હતો અને નવસારીથી વેવાણ ભાનુને બુલેટ પર કડોદરા લઇ આવ્યો હતો અને ત્યારબાદ કડોદરામાં પાનના ગલ્લા પર બુલેટ મુકીને બંને બસમાં વડોદરા ગયા, ત્યાથી દાહોદ અને પછી ઉજ્જૈન પહોંચ્યા હતા. ઉજ્જૈનમાં બંને એક ગેસ્ટહાઉસમાં 16 દિવસ રોકાયા હતા. 16 દિવસ સાથે રહ્યા પછી બંને પરત આવી ગયા હતા. વેવાઈ ભાવેશની સામે ગુમ થવાની અરજી કડોદરા પોલીસ સ્ટેશનમાં થવાથી તે કડોદરામાં હાજર થયો હતો અને વેવાણ ભાનુંની સામે નવસારીના પોલીસ સ્ટેશનમાં અરજી થવાથી તે ત્યાં હાજર થઇ હતી પરંતુ હવે બંને ફરીથી એક વખત ભાગી ગયા છે.ત્યારે વધુ એક વખત આ બનાવ ચર્ચાસ્પદ બની રહી છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ, અમદાવાદ