બે શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવાની મંજૂરી બિહાર સરકાર પાસેથી મળે એટલે અરજદારોને જાણ કરાશે

Spread the love

વડોદરા,
નોડલ અધિકારી અને નાયબ કલેકટરશ્રી રામ જોષીએ જણાવ્યું છે કે જિલ્લા કલેકટરશ્રી દ્વારા બિહારના પટના અને કટિહાર માટે બે શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવાની દરખાસ્ત બિહાર સરકારને મોકલવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અગાઉ જિલ્લા કલેકટરશ્રી સંકલન થી બિહાર માટેની બે ટ્રેનો ને મંજૂરી મળતા લોકોને કટિહાર અને દરભંગા મોકલવામાં આવ્યા હતા.
હવે પટના અને કટિહારની બે વધુ ટ્રેનો ની બિહાર સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી છે.આ મંજૂરી મળ્યે થી ટ્રેનોમાં જેમનો સમાવેશ શક્ય બનશે એ અરજદારોને નિર્ધારિત તારીખ અને સમયની ટેલિફોન થી જાણ કરવામાં આવશે. જેથી અરજદારોને કચેરી સુધી બિન જરૂરી અવર જવર ટાળવા એમણે અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં જ પ્રાંત અધિકારી શ્રી વિજય પટણી એ જણાવ્યું છે કે મૂળ વતનમાં જવા માંગતા અન્ય રાજ્યોના લોકોની અરજીઓ જે તે વિસ્તારની મામલતદાર કચેરીઓમાં પણ લેવાની વ્યવસ્થા કરી છે.

જે તે રાજ્ય માટે મળેલી અરજીઓની સંખ્યા અનુસાર સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવે છે અને ત્યારબાદ રેલવે તંત્ર સાથે સંકલન કરીને ટ્રેનની તારીખ અને સમય નક્કી કરવામાં આવે છે. તે પછી જે તે ટ્રેનમાં જેમને જગ્યા મળવાપાત્ર છે ફક્ત એ અરજદારોને જ ટેલિફોન કરી મેડિકલ સ્ક્રીનીંગ માટેના સ્થળ અને તારીખની જાણ કરીને બોલાવવામાં આવે છે.

યાદ રહે કે જેઓને ટ્રેનમાં જવાનું છે એમને જ નિર્ધારિત તારીખે, નિર્ધારિત સમયે અને સ્થળે બોલાવવામાં આવે છે. એટલે જેમણે ટેલીફોનીક સૂચના આપવામાં ન આવે એમણે આવવાનું નથી. એમણે લોકોને લોકમુખે વાતો સાંભળીને કચેરીઓ ખાતે ખોટો ધસારો ન કરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની બાબતોમાં તંત્રને સહયોગ આપવા વિનંતી કરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!