કઠલાલ નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કાર-બાઈક વચ્ચે અકસ્માત
- બાઈકચાલકની બેદરકારીથી સર્જાયેલા અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલાં ઈસમનું મોત નિપજ્યું
નડિયાદ : કઠલાલ નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આજરોજ સવારના સમયે કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બંને ઈસમો ફંગોળાઈ રોડ પર પટકાતાં ગંભીર ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જે પૈકી એક ઈસમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે કારચાલકની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના જાલમબારીયાના મુવાડામાં રહેતાં દિલીપકુમાર રઈજીભાઈ પગી આજરોજ સવારના સવા અગિયાર વાગ્યાના અરસામાં પોતાની મારૂતી બલેનો ગાડી નં જીજે 07 બીએચ 0612 લઈ કઠલાલમાં આવેલ શીવાલિક સોસાયટી નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતાં. તે વખતે રોડની ડાબી બાજુએથી પુરપાટ ઝડપે આવતાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં જીજે 07 બીકે 1053 ના ચાલકે કાબુ ગુમાવતાં બાઈક દિલીપભાઈની બલેનો ગાડીના બોનેટ સાથે અથડાયું હતું.
આ અકસ્માતમાં બાઈક ચાલક તેમજ બાઈકની પાછળ બેઠેલ ઈસમ બાઈક પરથી ફંગોળાઈ બલેનો ગાડીના કાચ સાથે અથડાઈ રોડ પર પટકાતાં ગંભીર ઈજાગ્રસ્ત બન્યાં હતાં. આસપાસ એકત્રિત થયેલી ભીડમાંથી કોઈ ઈસમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી લઈ ઈજાગ્રસ્ત બંને ઈસમોને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં બાઈકની પાછળ બેઠેલાં ઈસમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકચાલકની સ્થિતી હાલ સુધારા પર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે મારૂતી બલેનો ગાડીના ચાલક દિલીપકુમાર રઈજીભાઈ પગીની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે બાઈકચાલક ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)