રાજકોટ : સાધુવાસવાણી કુંજ રોડ પર આવેલ ઓફિસમાં અજાણ્યા શખ્સોએ પેટ્રોલ છાંટીને આગ લગાડી

રાજકોટ શહેર પોપટપરા-પ માં રહેતા ભાવેશ રઘુભાઇ કુગશીયાએ જણાવ્યું હતું કે, સાધુવાસવાણી કુંજ રોડ પર ઇસ્કોન કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર તેની શ્રી.રામ એન્ટરપ્રાઇઝ, કેબલ નેટવર્કની ઓફિસ છે. ગતરાતે ઓફિસમાં આગ લાગ્યાની જાણ થઇ હતી. આગમાં શટરની બહાર પડેલા કેબલના રોલ અને સાઇન બોર્ડ સળગી ગયા હતા. ઓફીસની અંદર રાખેલ ટ્રાન્સમીટર સહિતની વસ્તુઓ સળગી જતા અંદાજીત ૭૦ હજારની નુકશાની થઇ હતી. આગની તીવ્રતા એટલી હતી કે જ્વાળાઓ ૪ માળ સુધી લબકારા લઇ રહી હતી. જેના કારણે ઉપર રહેતા ફ્લેટ ધારકો પણ જીવ બચાવીને બહાર નિકળી ગયા હતા.
આગ શોટ સરકીટથી લાગ્યાની શંકા હતી. પરંતુ સવારે દુકાનની બહાર વીજ પોલ પર લગાવેલા C.C.T.V કેમેરાના ફૂટેજ ચેક કરતા મધરાતે ૧૨:૪૫ થી ૧:૦૦ વાગ્યાના અરસામાં ૩ બુકાનીધારીએ પેટ્રોલ છાંટીને આગ ચાંપ્યાનું સ્પષ્ટ થયું હતું. બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગરના P.I એલ.એલ.ચાવડા, ક્રાઇમ બ્રાંચના P.S.I એસ.વી.સાખરા, P.S.I યુ.બી.જોગરાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે જાત તપાસ માટે દોડી ગયો હતો. પોલીસ પૂછપરછમાં કેબલ ઓપરેટર ભાવેશ કુગશીયાએ આગ લગાડવા પાછળ કુખ્યાત ગોલીના ભાણેજ કાસમ કડીની ગેંગ ઉપર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે આગ ચાંપનાર શખ્સોની ઓળખ મેળવવા CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)