ભ્રષ્ટાચારનો ભાર વધ્યો : પાંચ વર્ષમાં 40 હજારથી વધુ ફરિયાદો થઈ

ભ્રષ્ટાચારનો ભાર વધ્યો : પાંચ વર્ષમાં 40 હજારથી વધુ ફરિયાદો થઈ
Spread the love
  • ગુજરાતમાં લાંચિયા સરકારી અધિકારીઓ-કર્મચારીઓને પકડવાની સ્પીડ વધી, પાંચ વર્ષમાં 40 હજારથી વધુ ફરિયાદો થઈ
  • ભ્રષ્ટાચારના કિસ્સામાં તપાસ કરી સાબિત કરવાની ટકાવારી 25 ટકાથી વધી 34 ટકા થઈ, ચાર વર્ષમાં 729 આરોપી પકડાયા
  • રાજ્યના 26 વિભાગમાં ભ્રષ્ટાચારની કુલ 8200 જેટલી ફરિયાદો એક વર્ષ દરમિયાન થઈ છે

ગુજરાતમાં એન્ટી-કરપ્શન અને તકેદારી આયોગ જેવી સંસ્થાઓની સતર્કતાને કારણે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ અને કર્મચારીઓને પકડવાનો દર વધી રહ્યો છે. આ દર પાંચ વર્ષ પહેલાં 50 ટકા હતો, એ વધીને 96 ટકા થયો હોવાનો દાવો રાજ્યના ગૃહ વિભાગે કર્યો છે.

પાંચ વર્ષમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની 40,660 ફરિયાદ

ગૃહ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્યના એન્ટી-કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે રોજની બે ફરિયાદમાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. એવી જ રીતે તકેદારી આયોગમાં નોંધાયેલી ફરિયાદોમાં પણ ભલામણ પ્રમાણે વિભાગ પગલાં લઇ રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદોની સંખ્યા 40,660 આવી છે,

ભ્રષ્ટાચારના આરોપીઓ પકડવાની ટકાવારીમાં 96 ટકાનો વધારો

એન્ટી-કરપ્શન બ્યુરોની જેમ તકેદારી આયોગમાં ફરિયાદોની સંખ્યા વધી રહી છે. તકેદારી આયોગને જે ફરિયાદો મળી હતી એ પૈકી 3100 કસૂરવાર સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી, જે પૈકી ગૃહ વિભાગે 800 જેટલા આક્ષેપિતો સામે અલગ અલગ પ્રકારની શિક્ષાના હુકમો કરવામાં આવ્યા છે. તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે ભ્રષ્ટાચારના કિસ્સા અંગે તપાસ કરી એને સાબિત કરવાનો દર 25 ટકા હતો, એ વધીને 34 ટકા થયો છે. છેલ્લાં ચાર વર્ષમાં સંડોવાયેલા આરોપીની સંખ્યા 371 હતી, જે વધીને 729 થઇ છે, એટલે કે ભ્રષ્ટાચાર આચરતા આરોપીઓને પકડવાના દરમાં 96 ટકા જેટલો વધારો થયો હોવાનો દાવો કરવામાં આવે છે.

વર્ષ દરમિયાન એવરેજ 500થી 700 કેસ નોંધાય છે

તકેદારી આયોગની જેમ સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર શોધવામાં એન્ટી-કરપ્શન બ્યુરોની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. છેલ્લા વર્ષમાં બ્યુરોએ 50 ટકા આરોપીને સજા કરાવી છે. બ્યુરોએ છેલ્લાં પાંચ વર્ષમાં 1500થી વધુ છટકાં કરી લાંચિયા અધિકારી તેમજ કર્મચારીઓને પકડ્યા છે, જોકે 400 કેસમાં આ અધિકારીઓ છટકી ગયા છે. વર્ષ દરમિયાન એવરેજ 500થી 700 કેસ સામે આવે છે.

26 વિભાગમાં ભ્રષ્ટાચારની કુલ 8200 જેટલી ફરિયાદો

એસીબીના એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના ટોપ ફાઇવ ભ્રષ્ટ વિભાગોમાં શહેરી વિકાસ વિભાગ 1500થી વધુ ફરિયાદો સાથે પહેલા નંબર પર આવે છે. બીજા ક્રમે 1280ના આંકડા સાથે પંચાયત વિભાગ, ત્રીજા સ્થાને 1154 સાથે મહેસૂલ, ચોથા નંબરે 925ના આંકડા સાથે ગૃહ અને પાંચમા ક્રમાંકે 151 સાથે શિક્ષણ વિભાગનો ક્રમ આવે છે. રાજ્યના 26 વિભાગમાં ભ્રષ્ટાચારની કુલ 8200 જેટલી ફરિયાદો વર્ષ દરમિયાન થઈ છે.

પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )

20201206_115426.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!