બર્ડ ફ્લૂના શંકાસ્પદ કેસ બાદ મોરબી જિલ્લા તંત્ર એલર્ટ

Spread the love
  • મોરબી પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું, પોલ્ટ્રી ફાર્મમાં સર્વે કરાશે

મોરબી : રાજસ્થાનમાં તાજેતર એક સાથે મોટી સંખ્યામા મરઘાંઓના મોત બાદ રાજયભરમાં ફરી બર્ડ ફ્લુનો ઓછાયો તોળાઈ રહ્યો છે. ત્યારે રાજય આરોગ્ય કેન્દ્ર પણ સતર્ક થયું છે અને રાજયભરમાં પશુપાલન વિભાગને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેના પગલે મોરબી જિલ્લામાં અને પોલ્ટ્રીફાર્મ પર ચકાસણી કરવા અને શંકાસ્પદ કેસ જણાય તો તત્કાલીક વેટરનરી તબીબ તેમજ પશુપાલન વિભાગમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજસ્થાનમાં તાજેતરમાં મોટી સંખ્યામાં પક્ષીના મોત નિપજ્યા હતા.જેમાં એક જિલ્લામાં બર્ડ ફ્લૂથી મોત સામે આવ્યું હતું. બીજી તરફ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ પક્ષીઓના શંકાસ્પદ મોત થતા બર્ડ ફ્લૂએ ચિંતા જગાવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ રાજય સરકાર તુરંત હરકતમાં આવી હતી અને આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધન કચેરીએ રાજયભરના આરોગ્ય અધિકારીને આદેશ કરી શંકાસ્પદ બર્ડ ફ્લૂના કેસના સર્વેલન્સ કરવા તેમજ અટકાયતી પગલાં લેવા સૂચના આપી હતી.

જે અંતર્ગત જિલ્લામાં આવેલ પોલ્ટ્રી ફાર્મમાં અને બેક યાર્ડ પોલ્ટ્રી ધરાવતા વિસ્તારમાં મરઘાંના મૃત્યુ અંગે નિયમિત સર્વે કરવા તેમજ જંગલ વિસ્તારમાં પણ જો પક્ષીઓના મોત જણાય તો વન વિભાગને સાથે રાખી સર્વેક્ષણ કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાને મોરબીમાં પણ પશુપાલન વિભાગ એલર્ટ થયું હતું અને મોરબી જિલ્લામાં ચાલતા પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સાવધાન કરવામાં આવ્યા છે. તેમજ જો પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો કેસ દેખાઈ અથવા મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થાય તો પશુપાલન વિભાગનો સંપર્ક કરવા જિલ્લા પશુપાલન અધિકારી રમેશ કાવરે જણાવ્યું હતું.

પક્ષીઓમાં સામાન્ય ફિવરના લક્ષણો

  • પક્ષી કોઈ એક સ્થળે સુનમુન બેઠા રહે
  • નાકમાંથી પાણી પડવું
  • ચરક પ્રવાહી પડવું

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Janak Raja

Janak Raja

Right Click Disabled!