શરમ કરો : પાર્કિંગ પ્લોટનો પબ્લિક યુરિનલ તરીકે ખુલ્લેઆમ થતો ઉપયોગ

- વાહન પાર્કિંગ માટે આવતા લોકો માટે ત્રાસદાયી તો મહિલાઓ માટે ક્ષોભજનક પરિસ્થિતિનું નિર્માણ
મોરબી: રોડ-રસ્તા, ગટર, કચરાના ગંજ સહિતની વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલા મોરબીવાસીઓ માટે સમસ્યાઓથી છુટકારો મેળવવાનું તો દૂર ઉલ્ટાનું વિવિધ સમસ્યાઓ સામે આવતી જાય છે. અલબત્ત અમુક સમસ્યાઓ અમુક લોકો દ્વારા જ નિષ્પન્ન થતી હોય છે પણ એનો ભોગ દરેકે બનવું પડતું હોય છે. મોરબીના પરાબજાર વિસ્તારની આવી જ એક સમસ્યા લોકો માટે ત્રાસદાયી બની છે. પરાબજારમાં આવેલી પોસ્ટ ઓફીસ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સામે આવેલી જગ્યા એક સમયે ગાંધીબાગથી ઓળખાતી. બેંક અને પોસ્ટ ઓફિસે આવતા ગ્રાહકો માટે આ સ્થળ એક વિસામાં સમાન હતું.
જો કે વધતા ટ્રાફિકના ભારણ અને પાર્કિંગની અગવડતા તેમજ જાળવણીના અભાવે ખંડેર બની ગયેલી આ જગ્યાનો વ્યવસ્થિત અને સુચારુ ઉઓયોગ થાય એ બધી બાબતોને ધ્યાને લઇ આ સ્થળે પાલિકાએ પાર્કિંગ પ્લેસ બનાવ્યું. જો કે, જનતાની સગવડતા માટે બનાવેલા પાર્કિંગ પ્લેસને જનતાએ જ જાહેર યુરિનલ બનાવી દીધું. આ સ્થળે પાર્કિંગ કરવા આવતા લોકોને પાર્કિંગ કરવા માટે ત્રાસદાયી બને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આસપાસના વેપારી-ધંધાર્થીઓ આ સ્થળનો પબ્લિક યુરિનલ તરીકે ઉપયોગ કરવા લાગતા પાર્કિંગ માટે આવતા જતા નાગરિકો માટે જબરી ત્રાસદાયી પરિસ્થિતિ ઉદ્દભવી છે. પાર્કિંગ માટે આવતી મહિલાઓએ ઘણીવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે.
યોગ્ય જાળવણી અને દેખરેખને અભાવે આ પાર્કિંગ પ્લેસમાં ગંદકીના થર જામ્યા છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ પાર્કિંગ પ્લોટથી થોડા ડગલાઓ દૂર જ જાહેર શૌચાલય હોવા છતાં તેનો ઉપયોગ કરવાને બદલે લોકો અહીં જ આવે છે જે નાગરિકો માટે પણ વિચારણીય મુદ્દો છે. તંત્રએ આપેલી સુવિધાને જાળવવાની ફરજ દરેક નાગરિકે સજાગતાપૂર્વક નિભાવવી જોઈએ. સાથો સાથ આવા ન્યુસન્સ પોઇન્ટ પર લોકોને આવતા અટકાવવાની ફરજ પાલિકા તંત્રએ પણ નિભાવવી જોઈએ. જાહેર સંપત્તિનો દુરુપયોગ કે નુકશાન અંતે તો જનતાનું જ નુકશાન છે એવી સમજણ વિકસિત કરવાનો સમય આવી ગયો છે ત્યારે ઉપરોક્ત ન્યુસન્સ અંગે નાગરિકો તેમજ તંત્ર સજાગ થાય એ અંતે તો મોરબીના હિતમાં જ છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)