મોરબી : વિવિધ ફરિયાદોના નિરાકરણ માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજા હોસ્પિટલની મુલાકાતે

મોરબી: સિવિલ હોસ્પિટલની વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદો મળતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે ગુરુવારે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ ડૉકટરો સહિતના સ્ટાફ તેમજ દર્દીઓને પડી રહેલી મુશ્કેલીની અન્ય ફરિયાદો સાંભળી હતી અને તેના ઉકેલની ખાત્રી આપી હતી.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, રાઘવજીભાઈ ગડારા (પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ), ભાવેશભાઈ કંઝારીયા (કાઉન્સિલર) સહિતના આગેવાનોએ મોરબી સિવીલ હોસ્પિટલના વિવિધ વિભાગોની આજે ગુરુવારે મુલાકાત લીધી હતી અને સિવિલમાં પડતી હાલાકી વિશે માહિતી મેળવી હતી. જેમાં આંખ વિભાગના ડૉક્ટર કૈલાએ જણાવ્યું હતું કે, મોરબી આંખ વિભાગના ફાર્માસિસ્ટને હળવદ મુકવામાં આવેલ છે. તેને ફરી પાછા મોરબી મુકવા તેમજ સિવીલમાં ખાલી પડેલ ઓથોપેડીક, જનરલ સર્જન સહિતની પોસ્ટ માટે પણ જવાબદાર વિભાગને જાણ કરવા જણાવાયું હતું. આ અંગે પ્રતિભાવ આપતા વાતચીત કરી ધટતુ કરવામાં આવશે તેમ બ્રિજેશભાઈએ જણાવ્યું હતું.
આ તકે રાજુભાઈ દવેએ પોલીસની નબળી કામગીરીને લઈને અવાર નવાર ચોરીની ઘટનાઓ બનતી હોય તાકિદે ઘટતું કરવા ઘારાસભ્યને રજુઆત કરી હતી. બ્રિજેશભાઈએ હોસ્પિટલના ઈમરજન્સી, એનસીડી ઓપીડી, જનરલ ઓપીડી, ગાયનેક વોર્ડ, કસરત વિભાગ, ડાયાલિસિસ વિભાગ સહિતના વોર્ડની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. આ તકે હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયા, આરએમઓ ડો. સરડવા સાથે રહ્યા હતા.
રીપોર્ટ :- જનક રાજા (મોરબી)