રાજકોટમાં પુનિતનગર પાણીના ટાંકા પાસે હિટ એન્ડ રનનો બનાવ

રાજકોટ શહેર ગોંડલ રોડ પર આવેલ કોઠારિયા ગામમા આર્દશ શીવાલય રેસીડેન્સીમાં રહેતી અને રાજકોટ શહેરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ જલારામ હોસ્પિટલમાં કલાર્ક તરીકે નોકરી કરતી છાયા વજુભાઈ રૈયાણી (ઉ.૧૯) નામની પટેલ યુવતી આજે સવારે પોતાના ઘરેથી એક્ટિવા લઈ રાજકોટ હોસ્પિટલમાં નોકરીએ આવવા નીકળી હતી. ૧૫૦ ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે પહોંચતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બેખોફ વાહન ચલાવી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક છાયા રોડ પર નીચે પટકાઈ હતી. અને અજાણ્યા વાહનના વ્હીલ માથે ફરી વળ્યા હતા. જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી પટેલ યુવતીને સારવાર માટે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ગંભીર હાલતમાં રહેલી યુવતીનુ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યુ હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના હેડ.કોન્સ્ટેબલ અશ્વિનભાઈ કાનગડ અને રાઈટર રવિરાજસિંહ જાડેજા હોસ્પિટલે દોડી ગયા હતા. અને પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક છાયા એક ભાઈ બે બહેનમાં વચ્ચેટ હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા વજુભાઈનુ ૬ મહિના પહેલા જ કેન્સરની બિમારીની મૃત્યુ થયુ હતું. આ બનાવમાં યુવાન પુત્રીના મોતની પટેલ પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. બનાવ અંગે માલવીયાનગ૨ પોલીસે ઘટના સ્થળના C.C.T.V ફુટેજ મેળવી અકસ્માત સર્જી નાશી છુટેલા વાહનચાલકની શોધખોળ હાથ ધ૨ી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)