ચિંતા છોડી ચિંતન કરીશું તો પ્રભુ નજીક દેખાશે.

ચિંતા છોડી ચિંતન કરીશું તો પ્રભુ નજીક દેખાશે.
Spread the love

ચિંતા છોડી ચિંતન કરીશું તો પ્રભુ નજીક દેખાશે.

સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહા દુઃખ છે.જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ સંસારમાં સુખી છે.“ચાહ ગઈ ચિંતા ગઈ મનુવા બેપરવાહ, જીસકો કછુ ન ચાહિએ વહ જગમેં શહેનશાહ” જીવન ક્યારેય સરળ નથી હોતું,કેટલીક બાબતોને અવગણીને અને કેટલીક બાબતોને સહન કરીને તેને સરળ બનાવવું પડે છે.જીવન જીવવાની બે રીતો છે:ચિંતા અને ચિંતન.દુનિયામાં કેટલાક લોકો ચિંતા માં જીવે છે તો કેટલાક ચિંતનમાં જીવે છે.હજારો લોકો ચિંતામાં જીવે છે અને ફક્ત બે કે ચાર ટકા લોકો જ શાંતિથી જીવી શકે છે.ચિંતા પોતે જ એક સમસ્યા છે અને ચિંતન તેનો ઉકેલ છે.ચિંતા સૌથી સરળ કાર્યને પણ મુશ્કેલ બનાવે છે અને ચિંતન સૌથી મુશ્કેલ કાર્યને ખૂબ જ સરળ બનાવી દે છે.જીવનમાં આપણે એટલા માટે હારતા નથી કે કાર્ય ખૂબ મોટું હતું પણ આપણે એટલા માટે હારીએ છીએ કે આપણા પ્રયત્નો ખૂબ ઓછા હતા.જીવનમાં મુશ્કેલીઓ ચોક્કસ આવે છે પણ ચિંતા કોઈ સમસ્યાનો ઉકેલ નથી હોતો.ચિંતા આપણી વિચારવાની ક્ષમતાને અવરોધે છે અને આ અવરોધ જ આપણા દુ:ખનું મૂળ કારણ છે.ચિંતાતુર વ્યક્તિ એકવાર નહીં પણ અનેકવાર મૃત્યુ પામે છે.

અમારા જીવનમાં જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે વિચારપૂર્વક તેનો ઉકેલ લાવવો એ જ સમજદારી ભર્યો નિર્ણય છે.એક વિચારશીલ વ્યક્તિ ચોક્કસ કોઈને કોઈ રસ્તો શોધી કાઢે છે,તેની પાસે શાણપણ હોય છે અને તે સમસ્યાથી પીછેહઠ કરતો નથી પણ તેની સામે અડગ રહીને સમસ્યા સામે મક્કમ રહે છે. હિંમતભેર સમસ્યા સામે લડવું એ અડધી સફળતા છે.જો તમે આધ્યાત્મિક વ્યક્તિ છો તો ભગવાનનું ચિંતન કરો કે જે તમારી ઇચ્છા વિના તમારી બધી ચિંતાઓ દૂર કરે છે.સાચું કહું તો પ્રભુના નામમાં વિશ્વાસથી મોટું કોઇ શ્રેષ્ઠ ચિંતન નથી.હંમેશા સકારાત્મક રહો અને તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો,હંમેશા હસતા રહો.જો અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો વિશ્વાસ હોવો જોઇએ કે ભગવાન હરહંમેશાં અમારી સાથે છે તેમને અમારી ચિંતા અમારાથી વધારે છે.ક્યારેક ચિંતા સતાવે અને કોઇ રસ્તો દેખાતો ના હોય ત્યારે આંખો બંધ કરીને વિશ્વાસની સાથે યાદ કરો તો સમસ્યાનું સમાધાન મળશે.ભક્ત બન્યા ૫છી તેની ચિંતા ભગવાન કરે છે.જેણે ૫રમાત્માની શરણાગતિ સ્વીકારી છે તે ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે.આ ભાવને દ્રઢતાથી સ્વીકારી લે છે તો તેનો ભય,શોક,ચિંતા,શંકા,પરીક્ષા અને વિ૫રીત ભાવના નાશ પામે છે.

જ્યારથી સદગુરૂએ મને તેમના શ્રીચરણોમાં સ્થાન આપ્‍યું છે ત્યારથી મારા તમામ સંશયો તથા ભ્રાંતિઓ સમાપ્‍ત થયાં છે.મારા હ્રદયમાંની તમામ ચિંતાઓ દૂર થઇ છે,કારણ કે મને સમજ આવી ગઇ છે કે કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા જ છે એટલે કે તમામ કાર્ય પ્રભુની આજ્ઞાથી જ થાય છે.તેમની આજ્ઞા વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.તમામ સ્થાનો ૫ર એક પ્રભુ ૫રમાત્મા જ વિદ્યમાન છે એટલે કે સમગ્ર જગત પોતાનું કુટુંબ પ્રતિત થાય છે.વેર વિરોધ ઇર્ષ્‍યા..વગેરે દુઃખ દૂર થાય છે.

જયાં સુધી ચિંતા છે ત્‍યાંસુધી વ્‍યથા રહેવાની જ ! સુભાષિતકાર કહે છે કે “ચિન્‍તા ચિત્તા સમાનાસ્‍તિ” ચિત્તા માણસને મરી ગયા ૫છી બાળે છે ૫ણ ચિંતા તો માણસને જીવતાં જ બાળે છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે ભૂતકાળની ચિંતા છોડી દો,ભવિષ્‍યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો.ભગવાને વિસ્‍મૃતિ ના રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો, ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત.આ ચિંતા દૂર કરવાનો ઉપાય છેઃખરાબમાં ખરાબ સ્‍વીકારવાની તૈયારી રાખો,જેથી માનસિક શાંતિ મળશે. ચિંતાનું બીજું કારણ છેઃમુઝવણ. Confusion is the chief cause of worry.માણસ નવરો હોય ત્‍યારે ચિંતા કર્યા કરે છે માટે કામમાં સતત વ્‍યસ્‍ત રહો.બીજું કુવિચારથી ચિંતા ઉભી થાય છે.ક્ષુદ્ર,દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે ૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન ઉ૫ર ચિંતાની ખરાબ અસર થતી નથી.

ઘણીવાર અમોને એ ચિંતા થાય છે કે સંસારના ભયાનક કષ્ટો અમોને ૫રેશાન કરશે, આ દુનિયાના લડાઇ ઝઘડા અમોને જીવન જીવવા નહી દે ૫રંતુ અમે જ્યારે ૫રમાત્માથી પોતાને અલગ સમજી બેસીએ છીએ ત્યારે જ આવી ચિંતા થાય છે. જો અમે પૂર્ણ રીતે પૂર્ણભાવથી પ્રભુ ૫રમાત્માને અંગસંગ સમજીને તેનું ધ્યાન કરીએ તો કોઇ વાળ ૫ણ વાંકો કરી શકતો નથી. અમારી અંદર તમામ પ્રકારની મુસીબતો સહન કરવાની શક્તિ આવી જાય છે.વ્યર્થની ચિંતા કેમ કરો છો? કોનાથી ડરો છો? તમને કોન મારી શકે તેમ છે? આત્મા જન્મ-મરણથી રહિત છે..ભૂતકાળમાં જે કંઇ થયું સારૂં જ થયું,વર્તમાન સમયમાં જે થઇ રહ્યું છે તે સારૂં જ થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઇ થશે તે સારૂં જ થશે.તમે ભૂતકાળનો પશ્ચાતાપ ના કરો,ભવિષ્યની ચિંતા ના કરો,વર્તમાન સુધારો.

વિદ્રાનોએ આ શરીરને પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર તેમજ નાશવાન બતાવ્‍યું છે.એક ક્ષણ પછી આ જીવન રહેશે કે કેમ? તેનું કોઇ પ્રમાણ નથી એટલે કે તમામ પ્રાણીઓનું જીવન પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહ્યું છે એટલે મનુષ્‍યે નિરંતર પ્રભુ પરમાત્‍માનું જ ચિંતન કરવું.જીવનમાં ચિંતન ઘણું જ મહત્‍વનું છે.જેવું ચિંતન કરીશું તેના જેવા થઇ જઇશું.આ ચિંતનમાં આ૫ણે કોનું અને કેટલું ચિંતન કરીએ છીએ તે અગત્‍યનું છે.૫વિત્ર વાતોનું ચિંતન કરવાથી જીવન બદલાય છે.મન અતિ ચંચળ છે અને વિષયોની તરફ દોડતું રહે છે,તેના ઉ૫ર સતત નજર રાખીને જયારે જયારે તે સાંસારીક પ્રપંચની તરફ જાય ત્‍યારે તેને ત્‍યાંથી હટાવીને પ્રભુ ૫રમાત્‍માના ચિંતનમાં લગાડવું જોઇએ.વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થઇ જાય છે, આસક્તિના કારણે જીવ પ્રભુ ૫રમાત્‍માથી વિમુખ બની જાય છે.મનને પ્રભુ પરમાત્‍માના ચરણારવિંદમાં જોડીને નિરંતર નામ સુમિરણ કરતાં કરતાં સાંસારીક કાર્યો કરવાં જોઇએ.પરમગતિ (મોક્ષ) પ્રાપ્‍ત કરવા માટે હંમેશાં પ્રભુ ૫રમાત્‍માનું ચિંતન જ શ્રેષ્‍ઠ ઉપાય છે.

અંતકાળમાં મનુષ્‍ય જે જે ભાવનું ચિંતન કરતો રહીને શરીરનો ત્યાગ કરે છે તે તે ભાવને જ પ્રાપ્‍ત થાય છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે..ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે જે અનન્ય ભક્તો મારૂં ચિંતન કરતા રહીને મારી ઉપાસના કરે છે,મારામાં નિરંતર લાગેલા તે ભક્તોના યોગક્ષેમ (અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તિની રક્ષા) હું વહન કરૂં છું.જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે.જે મન બંધન કરે છે તે જ મન મુક્તિ આપે છે.

ચિંતનમાં વાસ્તવિકતાનો સ્વીકાર નથી થતો હોતો ત્યારે માણસ ભ્રાન્તિઓનો પોષક થઈ જતો હોય છે.આવી અસંખ્ય ભ્રાન્તિઓ ધાર્મિક ક્ષેત્રમાંથી વિતરીત થયા કરતી હોય છે.ધર્મને આવી રીતે પ્રકાશની જગ્યાએ અંધકારનો વાહક બનાવી દેવાતો હોય છે.જેના મનમાં વિકાર-વાસના નથી,જે પ્રભુપ્રેમમાં રંગાયો છે,જેનું મન પ્રભુચિંતનમાં ભગવદાકાર થયું છે,જેનું મન પરમાત્માના રંગથી રંગાયેલું છે તે જ્યાં બેઠો છે ત્યાં જ મુક્તિ છે.

આલેખનઃવિનોદભાઈ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!