વેક્સિન સર્ટિફિકેટ ધરાવતા લોકો માટે ટૂરિઝમ ફરી શરૂ કરવા માગ

કોરોના કાળમાં ટૂરિઝમ, હોટેલ અને ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકેળાયેલા લોકોને ઝડપી વેક્સિન આપવા માગ કરાઈ છે. આ ત્રણ સેક્ટર સાથે સંકળાયેલા અગ્રણીઓનું માનવું છે કે, હાલ કોરોનાને કારણે ટૂરિઝમ સેક્ટર બંધ થવાની સાથે અનેક હોટેલો બંધ થઈ ગઈ છે. અનેક ટ્રાન્સપોર્ટ કંપનીઓ તેમનાં વાહનો વેચી રહ્યાં છે. આ સંજોગોમાં ટૂરિઝમ, હોટેલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર ફરી બેઠું થાય અને મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી રહે તે માટે આ સેક્ટર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને ઝડપી કોરોના વિરોધી વેક્સિન મળી રહે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.
ટૂર ઉદ્યોગ સાથે સંકળાયેલા આલાપ મોદીએ કહ્યું કે, ટૂરિઝમની સાથે હોટેલ, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓને રસી આપ્યા બાદ આઈકાર્ડની જેમ વેક્સિન સર્ટિફિકેટ પણ સાથે રાખવું પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પ્રવાસી કોઈ હોટેલ કે અન્ય સ્થળે જાય ત્યારે તેની પાસે આઈડી પ્રૂફની સાથે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ હોય ત્યારે જ તેને પ્રવેશ આપવામાં આવે.