તમે કાગળ પર શું કામ કર્યું એ બતાવ્યું પણ પ્રેક્ટિકલ શું પગલાં લીધા એ તો દર્શાવો : હાઈકોર્ટ

હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવ અંગેની અરજીમાં હાઇકોર્ટે સરકારને આડેહાથ લીધી હતી. શ્રેય હોસ્પિટલ બાદ તાજેતરમાં ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગ મામલે પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરાતા કોર્ટે નારાજગી દર્શાવી હતી. જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે સરકારની કામગીરી સામે કેટલાક વેધક સવાલો કર્યાં હતા.
ખંડપીઠે સરકારને ટકોર કરી હતી કે, દરેક વખતે તમે કોર્ટને માત્ર કાગળ પર શું કામ કર્યું તે બતાવો છો પણ પ્રેક્ટિકલ શું પગલા લીધા તે રેકોર્ડ રજૂ કરો. ઉચ્ચ સત્તાધીશોને પત્ર લખ્યો છે, કાર્યવાહી ચાલુ છે જેવા જવાબો તમે કોર્ટમાં રજૂ કરી રહ્યા છો. સરકારે સોગંદનામામાં જણાવ્યું કે, રાજ્યની 625 કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી.
ખંડપીઠે સરકારને આ અંગે શું પગલા લીધા? હવે પછી ભવિષ્યમાં કેવા પગલા લેશો? તે અંગે જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. બીજી તરફ ફાયર એનઓસી અને બી.યુ પરમિશન વગરની સીલ કરાયેલી હોસ્પિટલોને ખોલવા થયેલી અરજીમાં હોસ્પિટલો ખોલવા રજૂઆત કરાઈ હતી. ખંડપીઠે હાલના તબક્કે આવી હોસ્પિટલોને ખોલવા મામલે ટકોર કરી હતી કે, નકારાત્મક સમાનતાનો સંદેશ આપવા અમે ઇચ્છતા નથી. હોસ્પિટલોએ સરકારે નક્કી કરેલા ધારાધોરણોનું પાલન કર્યું નથી તેથી સીલ કરાઈ છે.