ઘરના દરેક વ્યક્તિ જો વેક્સિન લઈ લેશે તો બાળકોને ચેપ નહીં લાગે

હાલ કોરોનાએ સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવી દીધી છે. તો બીજી તરફ એક્સપર્ટ હાલ સેકન્ડ વેવ પૂરો થવા આવી રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે અને ત્રીજા સંભવિત વેવની પણ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ત્રીજી લહેરમાં મોટા પ્રમાણમાં બાળકો પણ સંક્રમિત થઈ શકે એવો વેરિયન્ટ આવે એવી શક્યતા છે. બીજી લહેરમાં પણ અનેક બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. જો બાળકોને સંક્રમણથી બચાવવા હોય તો ઘરના તમામ સભ્યોએ કોરોના વેક્સિન લઈ લેવી અત્યંત જરૂરી છે.
જેમાં ત્રીજી લહેરમાં બાળકો ટાર્ગેટ થઈ શકે તેવો વેરિયન્ટ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બધાની વચ્ચે બાળકોની કોરોનાની સારવાર કરતા ડોક્ટર જણાવી રહ્યા છે કે બાળકો હાલ તો ઘરમાં જ છે અને જો ઘરના દરેક વ્યક્તિએ વેક્સિન લીધેલી હશે તો બાળકોના સંક્રમિત થવાના ચાન્સ ઘટી જશે. તેની સાથે બાળકોને વયસ્કોની જેમ કોવિડ પ્રોટોકોલ સમજાવવામાં આવે તો તે તુરંત તેનું પાલન કરતું થઈ જાય છે. જ્યારે ઇમ્યુનિટી બુસ્ટરના નામે બાળકોને કોઈ પણ દવા આપવી યોગ્ય નથી.