ગુજરાતમાં ‘મિનિ-લોકડાઉન’ વધુ એક સપ્તાહ લંબાવાયું

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક બાદ 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસો ઘટાડવામાં સફળતા મેળવી છે. તેમણે આ સંદર્ભે ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14,500 જેટલા કોરોના કેસ હતા તે ઘટીને ગઇકાલે 11,000 જેટલા થઇ ગયા છે. કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.