ગાંધીનગર એસપી કચેરી પાસેની સોસાયટીમાં વિદેશી દારૂનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરીથી થોડેક દૂર સેક્ટર 28 માં આવેલ બનાસકાંઠા સોસાયટીમાં રેડ કરીને લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઘરના રસોડામાંથી 66 વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન મળીને રૂ. 32 હજાર 800 નાં મુદ્દામાલ સાથે રીઢા બુટલેગરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગરમાં કોરોના મહામારીના પગલે મીની લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પણ ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનું સક્રિય રીતે વેચાણ થઈ રહ્યું હોવાનું ક્રાઇમ બ્રાંચના ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે ગાંધીનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ખુમાનસિંહ ને બાતમી મળી હતી કે જીલ્લા પોલીસ વડા કચેરી થી થોડેક દૂર સેકટર 28 માં આવેલ બનાસકાંઠા સોસાયટીમાં રહેતો શાંતિ ઉર્ફે સંતોષ દલાભાઈ મકવાણાએ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.
જેના પગલે ક્રાઇમ બ્રાંચ નો કાફલો તુરંત જ બનાસકાંઠા સોસાયટી મકાન નંબર 488/2 માં ત્રાટકી હતી. અને ઘરની તલાશી લેતાં ઘરના રસોડા માં સંતાડેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો નંગ 66 કી. રૂ.27800 ની મળી આવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે, ઘણા દિવસોથી આ વિસ્તારમાં દારૂનો વેપલો થતો હોવાનું ધ્યાને આવતાં સ્ટાફના માણસોને સક્રિય કરવામાં આવ્યા હતા. જેનાં પગલે રીઢા બુટલેગર સંતોષ દલાભાઈ મકવાણા ને પૂર્વ બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.