ગાંધીનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઇ ગયાં પછી કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરાય છે…!

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરનાં સેકટર 7 તેમજ સેકટર 30માં કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પણ આવી ગયા પછી કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરી દિશા વિહીન બનીને આડેધડ કામગીરી કરતું હોવાની સાબિતી આપવામાં આવી છે.
ગાંધીનગરમાં કોરોનાં એ દસ્તક દેતા જ કોર્પોરેશન તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીના આસપાસના એરિયા ને સીલ કરીને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાના કેસો આવતા આ કામગીરી પુરજોશમાં શરૂ કરી દઈ કોન્ટ્રાકટરને લાખો રૂપિયાની લહાણી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાની ગતિ ધીમી પડવા લાગતા કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાનું એકંદરે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જો કે કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કારણે લોકો તે વિસ્તારમાં ફરતા બંધ થઈ જતાં હતાં જેના કારણે પણ મહદઅંશે કોરોના સંક્રમણ અટકી જતું હતું.
કોરોનાની બીજી લહેરનાં વાવાઝોડામાં કોર્પોરેશન તંત્ર દોડતું થઇ ગયું છે. આ વખતની લહેરમાં મોટાભાગે દરેક વિસ્તારમાં કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ત્યારે હાલમાં ચાલી રહેલી લહેરમાં ઘણા વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોન કોર્પોરેશન દ્વારા જાહેર કરાય છે પરંતુ ખરાઇ કર્યા વગર જ બોર્ડ લગાવીને માર્ગને બંધ કરાતાં અન્ય લોકો પણ હેરાન થઇ રહ્યાં છે ત્યારે સેક્ટર-7 અને 30માં જ્યારે સંક્રમણ હતું ત્યારે બોર્ડ ન લગાવ્યા અને હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે બોર્ડ લગાવીને એરીયાને બંધ કરાતાં રહિશો પણ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.