કલોલની છત્રાલ જીઆઇડીસીમાં કેબલ વાયરોની ચોરી કરાવનાર ભંગારીયો ઝડપાયો

ગાંધીનગર જિલ્લાના છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરીઓમાં કેબલ વાયરોની ચોરી કરવા માણસો રાખીને ગુનાને અંજામ આપનાર ભંગારીયા સહિત ચાર ઈસમોને ઝડપી લઈ રૂ. 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાત દિવસ અગાઉ થયેલી ચોરીનો ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આશરે સાતેક દિવસ અગાઉ છત્રાલ જીઆઇડીસીમાં આવેલ ચંદ્રેશ કેબલ લિમિટેડ નામની કંપનીમાંથી કેબલ વાયરોની ચોરીની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવા પામી હતી. તે સિવાય પણ જીઆઇડીસી વિસ્તારમાં છાશવારે કેબલ વાયરોની ચોરી થવાની બૂમરાણો પણ વ્યાપક મળી આવી હતી. જેના પગલે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા તેમજ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવી હતી.
જેના પગલે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનો આચરનાર ભરત ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ રાઠોડ તથા પીન્ટુ ઉર્ફે માલિક ભુપતભાઈ પરમાર કડી ખાતે ભંગારનો ધંધો કરે છે. અને માણસો રાખીને જીઆઇડીસી વિસ્તારમાં કેબલ વાયરોની ચોરીને અંજામ આપે છે. જેના પગલે કડી પિયજ રોડ પર વોચ ગોઠવીને પિકઅપ ડાલા સાથે પીન્ટુ ઉર્ફે માલિક (રહે મેલડી કુપા સોસાયટી કડી) , રોનક અશોકભાઈ પરમાર( રહે કડી) અનિલ કાંતિભાઈ દંતાણી( રહે ભિલોડા) વિષ્ણુ ખેંગારભાઈ દંતાણી (રહે હારીજ પાટણ) ને ઝડપી લેવામાં આવ્યા હતા.