કોવિડના કુલ 2241 બેડમાં માત્ર 179 દર્દી હોસ્પિટલમાં દાખલ

કોરોનાની બીજી લહેરનો વિદાય કાર્યક્રમ ચાલી રહ્યો હોય તેમ જિલ્લાની 59 કોવિડ હોસ્પિટલોના કુલ 2241 બેડમાંથી હાલમાં 179 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે 2062 બેડ ખાલી રહેતા સરકારી અને ખાનગી હોસ્પિટલોએ કોવિડ વોર્ડ બંધ કરીને નોન કોવિડની સારવાર શરૂ કરી દીધી છે. જોકે કોરોનાના કેસ આવે તો દાખલ કરીને સારવાર કરાશે. સમગ્ર જિલ્લા સહિત રાજ્યને બાનમાં લેનાર કોરોનાની બીજી લહેરે લોકોને નજર સામે મોતનું તાંડવ બતાવી દીધું હતું.
સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવારની મુંજરી આપતાની સાથે બેડ હાઉસફુલ થઇ જતા હતા. આથી કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને દાખલ કરવા માટે બેડ ખાલી રહ્યા હતા નહી. આથી કોઇ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપે અથવા જીંદગીથી રજા લે તેની રાહ બહાર ઉભેલા દર્દીઓ જોતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. જોકે હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેરનો જાણે હાલમાં વિદાય સમારોહ ચાલી રહ્યો હોય તેમ જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ઉપરાંત જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં બેડ ખાલી થઇ રહ્યા છે.