અમદાવાદ એરપોર્ટ-રેલવે સ્ટેશન પર સઘન સુરક્ષા વ્યવસ્થા, તમામ મુસાફરોની તપાસ

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેકને પગલે તથા રથયાત્રાને અનુલક્ષીને ગુજરાતના એરપોર્ટ અને રેલવે સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.ગુજરાતની બોર્ડર પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી અને અમદાવાદ ખાતે આગામી અષાઢી બીજના રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશતા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટના સુરક્ષા પોઇન્ટમાં વધારો કરવામાં આવ્યો છે.
ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં પણ અમદાવાદ એરપોર્ટની સુરક્ષા આ બાબતે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે ત્યારે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર સૌપ્રથમ વખત ગણતરીની મિનિટોમાં બે ડ્રોન એટેક થયા છે. સંભવતઃ પાકિસ્તાન દ્વારા પ્રથમ વખત ડ્રોન એટેક કરવામાં આવ્યો હોવાથી દેશની સુરક્ષા એજન્સીઓ ઉપરાંત NIAની ટીમ પણ સક્રિય બની ગઇ છે.
દેશભરના તમામ એરપોર્ટ તેમજ એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર CISF ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા પણ સુરક્ષા માટેના પોઇન્ટ વધારી દેવામાં આવ્યા છે. એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશતા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એરપોર્ટ પર આવતા જતા વાહનો અને માણસો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. એરપોર્ટ ની આજુબાજુ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ તૈનાત કરી દેવાઇ છે.