જૂનાગઢ જિલ્લાની આંગણવાડીના ૨૮,૬૨૩ બાળકોને ગણવેશનુ વિતરણ કરાયુ

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : જૂનાગઢ શહેર અને જિલ્લાની ૧૪૨૮ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૨૮,૬૨૩ બાળકોને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા.
સરકારશ્રી દ્વારા પ્રથમ વખત આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને નિઃશુલ્ક યુનિફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે આઇસીડીએસ શાખા દ્વારા જૂનાગઢ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લાના ઘટક કેશોદ-૧,૨, માણાવદર, વંથલી, માંગરોળ, ભેંસાણ, જૂનાગઢ-૧ અને ૨, માળીયા, મેંદરડા, વિસાવદર આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૨૮,૬૨૩ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવશે.
આજે યોજાયેલ કાર્યક્રમમાં જૂનાગઢ તાલુકાની પત્રાપસર આંગણવાડીના ૬ બાળકોને મહાનુભવોના હસ્તે યુનિફોર્મ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી, ડેપ્યુટી મેયરશ્રી હિમાંશુ પંડ્યા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલકુમાર કાવાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી રાકેશભાઇ ધુલેશિયા, જિલ્લા સહકારી બેન્કના એમ.ડી. દિનેશભાઇ ખટારીયા, મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન લાભુબેન ગુજરાતી, કારોબારી સમિતિના ચેરમેન કંચનબેન ડઢાણિયા, કમિશનરશ્રી આર.એમ.તન્ના,અધિક કલેક્ટરશ્રી ડી.કે.બારીયા, , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.જે.જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઇએ, આભાર વિધિ મહિલા અને બાળ અધિકારી જીગર જસાણીએ અને સંચાલન નવનીત ભાયાણીએ કર્યુ હતું
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ