સોજા હાઈસ્કૂલના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી અધ્યાપન કાર્ય કર્યું

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના સારસ્વત મિત્રો દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ-અધ્યાપન કાર્ય કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારશ્રી સામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવા છતાં એનો ઉકેલ ન આવતાં શિક્ષક સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે એના ભાગ રૂપે આજે સોજા હાઈસ્કૂલના સારસ્વત મિત્રો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી રોજીંદી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અતિ સંવેદનશીલ ગતિશીલ ગુજરાત મોડેલ સરકાર દ્વારા સારસ્વત સાથીઓને હળહળતો અન્યાય થઈ રહ્યો છે અને તેમની પ્રત્યે ઓરમાયું-અછૂતું વર્તન કરવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષણ કાર્યને અસર ન થાય એ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યું છે. ચૂંટણી પૂર્વે જો આ પડતર પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો અત્યંત જલદ ક્રાંતિકારી કાર્યક્રમો આપતાં પણ આ ચાણક્યો અચકાશે નહીં એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.