ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન કરવાનું કામ આદિજાતિના લોકો કરી રહ્યા છે
મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે
અરવલ્લીની ગિરીકંદારઓ વચ્ચે દૈદિપ્યમાન સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે મહિલા-બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે પ્રતિવર્ષ ૯ ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુકત રાષ્ટ્રો દ્વારા જાહેર કરાયો છે. જે અંતર્ગત ખેડબ્રહ્માની આટર્સ અને કોર્મસ કોલેજ ખાતે યોજાયે આંતરારાષ્ટ્રીય આદિવાસી દિનની મહત્તા ઉજાગર કરતા મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આઝાદીના સંગ્રામમાં આદિવાસી લોકોનો મોટો ફાળો રહ્યો છે. તેમણે આદિવાસી સંસ્કૃતિને બહુ જ પુરાણી ગણાવતા ઉમેર્યુ હતું કે, પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન કરવાનું કામ આદિજાતિના લોકો કરી રહ્યા છે.
રાજય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકારે સેવાયજ્ઞ આદરીને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે પંહોચાડવામાં આવી રહ્યો છે. જેમ નગરાત્રિના નવ દિવસ માતાની આરાધના કરીએ છીએ તેમ સરકાર સતત નવ દિવસ પ્રજાના સેવાકાર્યો કર્યા છે. જેમ દસમા દિવસે રાવણનું દહન કરાય છે. તેમ દશમા દિવસે અત્યાર સુધી આદિવાસી લોકોને યોજના અને લાભોથી વંચિત રાખનાર અનિષ્ટ તત્વોને દૂર કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આદિજાતિ લોકોના સંવાર્ગી વિકાસ માટે થયેલા કામોની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ લોકો માટે વર્ષ ૨૦૦૭માં વનબંધુ કલ્યાણની શરૂઆત કરી તેમણે સમાજના આગલી હરોળમાં લાવવાનું કામ કર્યુ છે. તે પરંપરાને આગળ વધારી રાજ્યની આ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ કરોડની યોજના અમલમાં મુકી છે. જેના થકી રાજ્યમાં વસવાટ કરતા ૯૦ લાખ આદિજાતિ બાંધવોને સામુદાયિક વિશિષ્ટ લાભ અપાશે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે અગાઉ મેડિકલના ઉચ્ચ અભ્યાસ માટે એક હજાર જેટલી જૂજ બેઠકો હતી. તેની સામે આજે વધારીને ૪૫૦૦ જેટલી મેડીકલ બેઠકો થઇ છે આગામી સમયમાં પાંચ નવિન મેડિકલ કોલેજ બનાવાશે જેના થકી આદિવાસી બાળકો તબીબી જ્ઞાન લેવુ સરળ બનશે. તો વળી ઉચ્ચ શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા વિનામૂલ્યે કોચિંગ પુરૂ પાડવામાં આવે છે. તો બાળકોને શહેરમાં અભ્યાસ માટે રહેણાંકની મુશ્કેલી ઉભી ન થાય તે માટે સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જયારે વિદેશ અભ્યાસ માટે નજીવા વ્યાજ દરે લોન આપીને તેમના ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કર્યુ છે.
આદિવાસી સમાજના સંસ્કૃતિને ઉજાગર કરતા અને શહિદવીરોને સાચી શ્રધ્ધાજંલિ આપવા રૂ. ૧૦૦ કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝીયમનું નિર્માણ કરવા જઇ રહ્યા છે તો રાજ્યની આ સરકાર રૂ. ૩૪૧ કરોડના ખર્ચે બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું નિર્માણ આગામી સમયમાં થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા આદિવાસી યુવાનોનું સન્માન, આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાદેવ દર્શન કરી શુભાશિષની અર્ચના કરી હતી.
આંતરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ સહિત અગ્રણી શ્રી ભોજાભાઇ મકવાણા તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અર્જુન ભાટ
હિંમતનગર