ખેડબ્રહ્મા ખાતે મહિલા-બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લામાં મોડૅલ આંગણવાડી થકી શ્રેષ્ઠ શિક્ષણ આપીએ
મંત્રી શ્રીમતી વિભાવરી બેન દવે
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માની પ્રાંત કચેરીના સભાખંડ ખાતે મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ રાજય મંત્રી શ્રીમતી વિભાવરી બેન દવેની અધ્યક્ષતામાં જીલ્લાના મહિલા બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ અધિકારીશ્રી,CDPOશ્રી તેમજ મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી તથા દહેજ અધિકારીશ્રી સાથે કામગીરીની સમીક્ષા બેઠક યોજી.
જેમાં બેઠકમાં આંગણવાડી કેન્દ્રોની બેઠક વ્યવસ્થાની માહિતી, જર્જરીત આંગણવાડીની કેન્દ્રોની મનરેગા હેઠળ મરામત કરાવવી તેમજ ભાડાના મકાન ચાલતી આંગણવાડીઓને તાત્કાલિક બંધ કરી નવા મકાન માટે જમીન ઉપલબ્ધ કરાવવી, નંદધરમાં શૌચાલય બનાવવા તેમજ સ્વચ્છતા જાળવવી, આંગણવાડી કેન્દ્રો ખાતે પીવાની પાણી ઉપલબ્ધ કરાવવા તેમજ બાકી રહેતી આંગણવાડીમાં વીજકનેકશન પુરા પાડવા સહિત ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના, મહિલા શક્તિ કેન્દ્ર યોજના, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના, ૧૮૧ અભયમ હેલ્પલાઈન, PBSC કેસોની ચકાસણી, મહિલા સ્વાવલંબન યોજના હેઠળ થયેલ કામગીરીની વિસ્તૃત છણાવટ કરી હતી.
મંત્રીશ્રી વિભાવરી બેન દવેએ કરેલ કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું કે, જીલ્લામાં કોઈ પણ બાળક કુપોષિત ન રહેવું જોઈએ, જિલ્લામાં એવી મોડૅલ આંગણવાડીઓનું નિર્માણ કરીએ જેથી બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે અને આંગણવાડીએ આવવા ઉત્સુક બને, તેમણે જિલ્લાના ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં અધવચ્ચે શિક્ષણ છેાડી દેનાર અથવા શાળાએ ગયા જ ન હોય તેવી દિકરીઓને કૌશલ્ય વર્ધન કામગીરીની તાલીમ આપવા ખાસ ભાર મુક્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલા લક્ષી યોજનાઓ હેઠળ બહેન દીકરીઓને દરેક યોજનાનો લાભ મળવો જોઈએ, કોઈ પણ મહિલા સરકારી લાભોથી વંચિત ન રહે તેનો સર્વે કરવો, ગર્ભાવસ્થા બહેનોનો સર્વે કરી તેમણે મળતા સરકારી લાભો અંગે જાગૃત કરવી, ઘરેલું હિંસાથી પીડિત બહેનોને રક્ષણ આપવું, ગંગા સ્વરૂપા બહેનોને કામ અપાવવામાં મદદરૂપ થવું. બહેન દીકરીઓને ભણાવવા માટેના સલાહ સુચનો આપવા અનુરોધ કરાયો.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, મહિલા બાળ વિકાસ ચેરમેનશ્રી, મહિલા અગ્રણી કૌશલ્યાકુંવરબા, જીલ્લા ICDS અધિકારીશ્રી તથા જુદા-જુદા મહિલા વિભાગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અર્જુન ભાટ
હિંમતનગર