જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મેંદરડા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું

જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મેંદરડા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું
Spread the love

જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મેંદરડા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું

જૂનાગઢ : જૂનાગઢમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના માર્ગદર્શન અનુસાર ગત તારીખ ૧૧-૦૩-૨૦૨૫ ના રોજ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુજન હિતાયના સ્વાસ્થ્યના અભિગમ સાથે લોકોના આયુષ્ય અને આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે હેતુસર આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.

આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં શ્રી હરેશભાઇ ઠુંમર, પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની અધ્યક્ષતામાં શ્રી સુખરામદાસ બાપુ, મહંતશ્રી, ખાખીમઢી આશ્રમ, શ્રી જોલીતભાઇ બુસા, શ્રી મીતુલભાઇ દેસાઇ, શ્રી દીપકભાઇ ઢેબરીયા, શ્રી જે.જે.ખાવડુ, સરપંચશ્રી, મેંદરડા તથા મેંદરડાના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. જેમાં આયુર્વેદના ક્ષેત્રમાં સેવા કરનાર મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને આયુર્વેદ દવાખાનામાં કાર્યરત યોગ ઇંસ્ટ્રક્ટર બહેનો દ્વારા યોગનું સુંદર નિદર્શન રજુ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન આપતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમરે આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તાર સુધી રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા માટે આવી પ્રવૃત્તિઓની ખૂબ જરૂર છે. સાથોસાથ સાંપ્રત કાલીન આરોગ્ય વિષયક દૂષણો જેવા કે અનિયમિત આહાર, વ્યસનો વિગેરેનો ત્યાગ કરી આપણી મૂળ પરંપરાઓને યાદ કરીને આયુર્વેદનું પાલન કરવા માટે જણાવ્યું હતું.

તેમજ શ્રી સુખરામદાસ બાપુએ આજના આધુનિક યુગમાં આયુર્વેદ અને આયુષની વિવિધ પદ્ધતિઓની ઉપયોગિતા વિશે સુંદર માહિતી આપી હતી અને ઉપસ્થિત નાગરિકોને વધુમાં વધુ સ્વસ્થ જીવનશૈલી તરફ વળવા હાકલ કરી હતી. આયુર્વેદ, હોમિયોપથી તથા યોગનો જીવનમાં વધુમાં વધુ ઉપયોગ કરીને આરોગ્ય તરફ અભિમુખ કરવાના આ પ્રયાસ બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આયુર્વેદ શાખાના તમામ કર્મયોગીઓની સરાહના કરી હતી.

આયુર્વેદ, યોગ, હોમિયોપથી જેવી સારવાર પ્રત્યે મહત્તમ જનજાગૃતિ વધે તેવા શુભ હેતુસર આયુષ મેળાનું સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આયુર્વેદ અને હોમીયોપથીના નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૪૩૦ જેટલા લોકોએ લાભ મેળવ્યો હતો.

આ નિદાન સારવાર કેમ્પમાં દુ:ખાવા માટે આયુર્વેદની વિશેષ સારવાર અગ્નિકર્મ પણ આપવામાં આવિ હતી. તેમજ બાળકોને રોગ પ્રતિકારક શક્તિવર્ધક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વસ્થ જીવનશૈલીના વિષયો દિનચર્યા, ઋતુચર્યા વિગેરે પર વિવિધ પ્રદર્શનો, રોજીંદા આહાર વિહાર, રસોડામાં પ્રાપ્ય ઔષધિઓ અને આપણી આસપાસની ઔષધિઓ, પ્રાકૃતિક ખેતી, યોગ પ્રદર્શન, હોમિયોપથી વિગેરે વિવિધ વિષયો પર પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. જેમાં ૨૦૦૦ કરતા વધુ લોકોએ પ્રદર્શનીની મુલાકાત લઇને માહિતી મેળવી હતી.

તેમજ મીલેટસના પ્રચાર- પ્રસાર માટે અને લોકોમાં મીલેટસ પ્રત્યે જાગૃતિ વધે તે માટે મેંદરડા તાલુકાના આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા મીલેટસ વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા દ્વારા મીલેટસ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુસર તથા મીલેટસના ધાન્યોની ખેતી માટે પ્રોત્સાહન આપનાર માહિતી વિષયક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવેલ. તેમજ મેંદરડા તાલુકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા ડાયાબિટીસ અને બી.પી.ની વિનામૂલ્યે તપાસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!