ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો
– 15 દરવાજા હજુ ખુલ્લા, 15,050 ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ
– ઉપરવાસમાંથી ધસમસતી પાણીની આવકના પગલે મોડીરાત્રિના ર કલાકે ડેમ છલકાતા ર૦ દરવાજા ખોલાયા હતા
– ર૦૦ ક્યુસેક પાણી કેનાલમાં અને ૧૩પ૦ ક્યુસેક પાણી દરિયામાં છોડાય છે
– પાણીની આવક વધતા શેત્રુંજી ડેમના પ૯ દરવાજા ખોલાયા હતા, પાણીની આવક ઘટતા ૪૪ દરવાજા બંધ કરાયા
ભાવનગર
ઉપરવાસમાંથી પાણીની ધસમસતી આવકના પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ગઈકાલે બુધવારે મોડીરાત્રીના ઓવરફલો થયો હતો તેથી ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સવારે ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતાં. ત્યારબાદ પાણીની આવક ઘટતા કેટલાક દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને હાલ હજુ કેટલાક દરવાજા ખુલ્લા છે. ડેમમાં પાણીની આવક-જાવક શરૂ છે. કેનાલ અને દરિયામાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. શેત્રુંજી ડેમમાં ગઈકાલે બુધવારે રાત્રીના સમયે આશરે ૧૯ હજાર કયુસેક પાણીની આવક હતી, જેના પગલે બુધવારે મોડીરાત્રીના ર કલાકે શેત્રુંજી ડેમ છલકાયો હતો અને ડેમના ર૦ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા શેત્રુંજી ડેમના તમામ પ૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણીની આવક-જાવક શરૂ હતી પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા શેત્રુંજી ડેમના ૪૪ દરવાજા બંધ કરવામાં આવ્યા હતાં. આજે સાંજે પ.૩૦ કલાકે શેત્રુંજી ડેમના ૧પ દરવાજા ખુલ્લા હતા અને ૧પ,૦પ૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ છે. શેત્રુંજી ડેમના ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં કુલ ર૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે, જયારે ૧૩પ૦ કયુસેક પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યુ હોવાનુ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે.
શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ખેડૂત સહિતના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. ગત વર્ષે પણ ડેમ ઓવરફલો થયો હતો. ડેમ છલકાતા લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી અને જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તેનુ પાણી નદી મારફતે શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં છોડવામાં આવે છે તેથી અમરેલી અને જુનાગઢ પંથકમાં સારો વરસાદ થાય તેનો ફાયદો ભાવનગર જિલ્લાને મળતો હોય છે.
ખાંભડા ડેમ છલકાતા ૧ દરવાજો ખોલાયો
બોટાદ જિલ્લાનો ખાંભડા ડેમ ગઈકાલે બુધવારે રાત્રીના સમયે ઓવરફલો થયો હતો તેથી ડેમનો ૧ દરવાજો ૦.૦૩૦ મીટર ખોલવામાં આવેલ છે. ઉપરવાસમાંથી ૧પ૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ છે. આજે ગુરૂવારે સાંજના સમયે પણ ડેમનો એક દરવાજો ખુલ્લો જ છે. ખાંભડા ડેમ છલકાતા સ્થાનીક ખેડૂત સહિતના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લાના માલપરા ડેમમાં આજે પ૦ કયુસેક પાણીની આવક શરૂ હતી તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે.
ગત વર્ષે શેત્રુંજી ડેમ ર૦ ઓગષ્ટે છલકાયો હતો
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ગત વર્ષે તા. ર૦ ઓગષ્ટ ર૦ર૦ના રોજ છલકાયો હતો તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આશરે ૧૮ દિવસ શેત્રુંજી ડેમ મોડો છલકાયો હોવાનુ જાણવા મળેલ છે. તે પહેલા શેત્રુંજી ડેમ ગત વર્ષ ર૦૧પમાં ઓવરફલો થયો હતો એટલે કે વચ્ચમાં પ વર્ષ શેત્રુંજી ડેમ ઓવરફલો થયો ના હતો. છેલ્લા બે વર્ષથી ડેમ છલકાય છે તેથી લોકોને રાહત થઈ છે.
ડેમ છલકાતા સિંચાઈ અને પીવા માટે પાણીની રાહત
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફલો થતા તળાજા સહિતના કેટલાક પંથકમાં સિંચાઈનુ પાણી મળી રહેશે, જયારે ભાવનગર શહેરમાં પીવાનુ પાણી મળી રહેશે. શેત્રુુંજી ડેમ છલકાતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારને રાહત થઈ જતી હોય છે તેથી શેત્રુંજી ડેમ ઓવરફલો થાય તે માટે ખેડૂત સહિતના લોકો પ્રાર્થના કરતા હોય છે.
બોરતળાવ ૩૭.૩ ફૂટ અને ખોડિયાર તળાવ ૯.૯ ફૂટ ભરાયું
ભાવનગર શહેરમાં આવેલ બોરતળાવના ગૌરીશંકર તળાવમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની આવક શરૂ છે. હાલ પોણો ફૂટ પાણીની આવક શરૂ છે તેથી ગૌરીશંકર તળાવ ૩૭.૩ ફૂટ ભરાયુ છે. પાણીની આવક શરૂ છે તેથી હજુ સપાટી વધવાની શકયતા છે. બોરતળાવ ૪૩ ફૂટે ઓવરફલો થશે તેથી તળાવ ભરાતા હજુ વાર લાગશે તેમ જણાય રહ્યુ છે. રાજપરા ખોડીયાર તળાવ ૯.૯ ફૂટ ભરાયુ છે અને પાણીની આવક શરૂ છે. રાજપરા ખોડીયાર તળાવ ૩૦.૬ ફૂટે ભરાશે તેમ મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ માહિતી આપતા જણાવેલ છે.
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી
👇🏼
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947