કેનેડા ના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને 16 લાખ રૂપિયા ખંખેરી લેતા કડીના ડોકટરે ફરીયાદ નોંધાવી

— *વિદેશમાં સ્થાયી થવાના સપના જોતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો*
— *કેનેડાના વર્ક પરમીટ વિઝા લેવા જતા કડીના ડોકટર 16 લાખમાં છેતરાયા*
કડીમાં દવાખાનું ધરાવતા ડોકટરને કેનેડા ના વર્ક પરમીટ વિઝા જોઈતા હોવાથી તેઓએ અલગ અલગ એજન્ટો પાસે માહિતી મેળવતા હતા ત્યારે ફેસબુક દ્વારા સંપર્કમાં આવેલા જીતેન્દ્રસિંહ જી જોહલ નામના એજન્ટ તેમને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે અલગ અલગ કામ પેટે રૂ 16 લાખ જેટલી રકમ લીધા બાદ પણ વિઝા ના આપતા તેમણે કડી પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરૂદ્ધ છેતરપિંડી ની ફરીયાદ નોધાવી છે.
લોકોને વિદેશમાં વસવાટ કરવાનો ચસ્કો લાગ્યો હોવાનો અત્યારના સમયમાં જોવા મળી રહ્યું છે તેવામાં વિદેશમાં સ્થાયી થવાના સપનાં જોતા લોકો કેટલાક ઠગબાજો ની વાતોમાં વિશ્વાસ માં આવી જઈ લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે.વિદેશમાં સ્થાયી કરવાના રૂપાળાં સપનાં બતાવી કેટલાક ઠગો લોકો પાસેથી લાખો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા હોવાના કિસ્સા કેટલાક સમયથી પ્રકાશિત થયી રહ્યા છે.કડીમાં આવોજ એક ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
કડીમાં સુજાતપુરા રોડ ઉપર આવેલ કૃપાનગર સોસાયટી ખાતે ક્લિનિક ધરાવતા ડૉ.સમીરભાઈ સુરેશચંદ્ર પંડ્યાને 2020 માં કેનેડા વર્ક પરમિટ વિઝા ઉપર જવાનું હોવાથી તેમણે જુદા જુદા એજન્ટો પાસે માહિતી મેળવવાની ચાલુ કરી હતી જેમાં ફેસબુકમાં જીતેન્દ્ર સિંહ જી જોયલ નામનું એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ કેનેડાના વિઝા નું કામ કરતી હોવાથી તેમણે તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી કેનેડાના વિઝા માટે વાતચીત કરી હતી.વાતચીત દરમ્યાન કેનેડાના વર્ક પરમીટ વિઝાના 16 લાખ નક્કી કરી સ્ટેપ વાઈઝ કામ ના પ્રમાણમાં પૈસા આપવાનું નક્કી થયું હતું.જેમાં ડોકટરે તેમની પત્ની અને તેમના ડોક્યુમેન્ટ સ્કેન કરી એજન્ટ દ્વારા આપવામાં આવેલ મેઈલ ઉપર મોકલ્યા હતા.જે દરમ્યાન એજન્ટ દ્વારા ટુકડે ટુકડે ડોકટરને વિશ્વાસમાં લઈ શરૂઆત માં પ્રતિક કથરોટિયા ના ખાતું એક્સિસ બેંક ગજેરા રોડ સુરતની શાખામાં 3 લાખ,૩૦/૦૧/૨૦૨૧ ના રોજ 5 લાખ,૧૦/૦૨/૨૧ ના 8 લાખ ટ્રાવેલ કો ઓર્ડીનેટર ના ખાતા માં જમા કરાવ્યા હતા.ત્યાર બાદ એજન્ટે દિલ્હી બોલાવ્યા હતા પરંતુ દિલ્હી માં તોફાન થયું હોવાનું બહાનું કાઢી તેમને ના પાડી હતી.ત્યાર બાદ બીજા 98 હજાર અને 6500 ડોલર રીન્યુ કરાવવાનું એજન્ટ દ્વારા કહેતા ફરીયાદી એ પૈસા આપ્યા નહોતા.ફરીયાદી સમીરભાઈ પંડ્યાએ વિઝા માટેની ઉઘરાણી કરવા છત એજન્ટ દ્વારા વિવિધ બહાના બતાવી તેમને વિઝા નહિ આપતા સમીરભાઈ પંડ્યાએ કડી પોલીસ સ્ટેશનમાં ફેસબુક એકાઉન્ટ ધરાવતા જતિન્દ્રસિંહ જી જોહલ વિરૂદ્ધ કેનેડાના વર્ક પરમિટ વિઝા નહિ આપી છેતરપિંડી કરી રૂ 16 લાખ પડાવી લીધા હોવાની ફરીયાદ નોધાવી છે.
કડી પોલીસે ફરીયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.