નવા બંદર ખાતેથી ૮ લાપતા માછીમારોના બચાવ કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલ

નવા બંદર ખાતેથી ૮ લાપતા માછીમારોના બચાવ કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલ
કલેકટરશ્રીનું નવાબંદર ખાતે જાત નિરીક્ષણ: કોસ્ટગાર્ડના અધિકારીઓને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી
ગીર સોમનાથ તા.૨, ઉના તાલુકાના નવાબંદર ખાતેથી ભારે પવન અને તોફાની સમુદ્ર મોજાઓના કારણે લાપતા બનેલા ૮ માછીમારોના બચાવની કામગીરી કોસ્ટગાર્ડ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ નવા બંદર ખાતે પહોંચ્યા હતા.
કલેકટરશ્રીએ માછીમારોની શોધખોળની કામગીરીમાં જોડાયેલા કોસ્ટગાર્ડના અધિકારીશ્રીઓ પાસેથી બચાવ કાર્યોની વિગતો મેળવી રાહત- બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી હતી.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, આ ઘટનામાં લાપતા થયેલા ૮ જેટલા માછીમારોને બચાવવા માટે કોસ્ટ ગાર્ડ, જિલ્લા મહેસૂલી તંત્ર અને પોલીસ વિભાગ પ્રયાસરત છે. આ માટે કોસ્ટગાર્ડની બોટ ઉપરાંત બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આ ઘટનામાં પાંચ જેટલી બોટ સંપૂર્ણ નાશ પામી છે અને અન્ય બોટોને પણ નુકસાન પહોંચ્યું છે.
નવા બંદર ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલની સાથે જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ, પ્રાંત અઘીકારી શ્રી રાવલ પણ સાથે રહ્યા હતા.
રિપોર્ટ ‘: પરાગ સંગતાણી
ગીર-સોમનાથ