વેરાવળ બંદરેથી પાંચ દિવસ પૂર્વે પાંચ માછીમારો સાથે ગયેલી ફાઇબર બોટ લાપતા

વેરાવળ બંદરેથી પાંચ દિવસ પૂર્વે પાંચ માછીમારો સાથે ગયેલી ફાઇબર બોટ લાપતા
હેલિકોપ્ટર અને ફિશીંગ બોટો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી
ગીર સોમનાથ જિલ્લામાં ડિસેમ્બરની શરૂઆત વરસાદી માહોલ વચ્ચે થવાથી દરિયો ગાંડોતૂર બન્યો જોવા મળી રહ્યો છે.તેવામા વેરાવળ બંદરે થી ગત તા.30 ના રોજ 5 માછીમારો ફાઇબર બોટ લઇને ફિશીંગ કરવા ગયા હતા.જે હજુસુધી મળી ન આવતા તંત્રને જાણ કરવામાં આવી હતી.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.30 ના રોજ વેરાવળના જમનાબેન ચુનીલાલ વણિક ની.માલિકીની સિદ્ધિ વિનાયક નામની ઓબીએમ ફાઇબર બોટ (રજી. નં. IND-GJ-32-MO-3487) માં રાઘવ વેલજી ચોરવાડી, કાલિદાસ કરશન વણિક, મોહન હરજી ચોરવાડી, ચુનીલાલ ધનજી ભેસલા, કાલિદાસ દેવજી કોટિયા નામના 5 માછીમારો સાથે ફિશીંગ માં ગઈ હતી.જે બોટ 5 દિવસ સુધી પરત ન આવતા સાગર પુત્ર ફાઉન્ડેશન ના લોધી જ્ઞાતિના પટેલ ચુનીલાલ ગોહેલ દ્વારા તંત્રને જાણ કરાઇ હતી.આ અંગે વધુ વિગતો આપતા બોટ એસો. ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ એ જણાવ્યું હતું કે ફાઇબર બોટમાં 3 દિવસ સુધી ચાલે તેટલું રાશન પાણી હોઈ છે જે મુજબ બોટ 3 દિવસમાં પરત થવી જોઈએ.આ બોટ પરત ન થતાં તંત્રને જાણ કરવામાં આવી હતી.2 દિવસ અગાઉ બોટનું લોકેશન વેરાવળ થી ચોરવાડ વચ્ચે જોવા મળ્યું હતું.જેના આધારે આ બોટની શોધખોળ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે કમોસમી વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભયંકર સ્થિતિ નિર્માણ થઇ છે.જેના પરિણામે ઘણી બોટોએ જળસમાધિ પણ લઈ લીધી છે.જેના પરિણામે માછીમાર સમાજમાં ચિંતા પ્રસરી છે.
રિપોર્ટ : રાહુલ કારીયા
વેરાવળ