કડી શહેરમાં જુના સરકારી દવાખાના પાસે તબેલાની આડમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતો ઈસમ ઝડપાયો

કડી શહેરમાં જુના સરકારી દવાખાના પાસે તબેલાની આડમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતો ઈસમ ઝડપાયો
— રૂ.45,000 કિ. ની સાત લાખ પચાસ હજાર વાર ચાઈનીઝ દોરી ઝડપાયી
— ભેંસોના તબેલાની આડમાં ચાઈનીઝ દોરીનો વેપાર કરતો 20 વર્ષીય યુવાન ઝડપાયો
કડી શહેરમાં જુના સરકારી દવાખાના પાસે આવેલ બાલાપીર દરગાહની સામે આવેલ ભેંસો બાંધવાના તબેલામાં કડી પોલીસે રેડ કરી રૂ.45,000 કી. ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા ઈસમને 5000 વાર ના 150 રીલ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે દોરીનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ઉત્તરાયણ નો તહેવાર નજીક આવી રહ્યો છે તેવામાં કેટલાક ઈસમો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લાવી વેચાણની શરૂઆત કરી દીધી છે.ઉત્તરાયણ નો તહેવાર નજીકમાં હોઈ ચાઈનીઝ દોરી અને તુકકલોના ઉપયોગ કરવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 13/12/21 થી 17/12/21 સુધી પ્રતિબંધ મુકેલ છે જેથી કડી પોલીસના ડી સ્ટાફ ના પી.એસ.આઈ.ધાસુરા જિલ્લા પોલીસ વડા અને કડી પી.આઈ.ડી.બી.ગોસ્વામીની સુચનાથી પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે ખાનગી બાતમીને આધારે કડી શહેરમાં જુના સરકારી દવાખાના પાસે બાલાપીર દરગાહ સામે આવેલ ભેંસો બાંધવાના તબેલામાં ચાઈનીઝ દોરીનો વેપાર કરતા સારીક મુસ્તુફાભાઈ ફકીરમહમદ ઘાચી ઉં.20 વર્ષ ને ઝડપી પાડી તેની પાસેથી મોનો સ્કાય મા માર્ક ની ચાઈનીઝ દોરીના ત્રણ બોક્સ મળી 5000 વારની દોરીના 150 રીલ કી. રૂ.45,000 જપ્ત કર્યા હતા.
પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો લાવી વેચાણ કરતા સારીક મુસ્તુફાભાઈ ઘાચી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા નો તપાસ બાદ નાશ કરવામાં આવશે તેમ ડી સ્ટાફ ના પી.એસ.આઈ. એસ.બી.ધાસુરાએ જણાવ્યું હતું.
*દારૂના અડ્ડાઓ ની જગ્યાએ પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપતા લોકોમાં તર્ક વિતર્ક*
કડી પોલીસે ખાનગી બાતમીને આધારે ચાઈનીઝ દોરીનો જથ્થો જુના સરકારી દવાખાના પાસે આવેલ બાલાપીર દરગાહ સામેના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.પોલીસે દોરીના જથ્થો ઝડપી પાડ્યો તે વિસ્તાર બારેમાસ દેશી-વિદેશી દારૂના વેચાણ માટે સમગ્ર શહેરમાં કુખ્યાત છે પરંતુ દારૂના અડ્ડાઓ ને નજર અંદાજ કરી પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી પરંતુ દેશી-વિદેશી દારૂના વેપાર કરતા બુટલેગરો સામે પોલીસે કોઈ કાર્યવાહી નહિ કરતા લોકોમાં કડી પોલીસની બેવડી નીતિ ને પગલે તેમની કામગીરી પ્રત્યે તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.કેટલાક લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ ચાઈનીઝ દોરીનો વેપાર કરતો ઈસમ આ ધંધામાં નવો હોવાથી કડી પોલીસને ખુશ કરવાની રીત જાણતો નહોતો તેથી તેના ત્યાં રેડ કરી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેને તેના વિસ્તારના જુના બુટલેગરો પાસેથી પોલીસને ખુશ કરવાની પદ્ધતિ જાણવી પડશે તો જ તે ગેરકાયદેસર ધંધો પોલીસની રહેમનજર હેઠળ કરી શકશે.