અમદાવાદ ખાતે આગામી તા.૨૦મી ડિસેમ્બરે “લોકલથી ગ્લોબલઃ નિકાસલક્ષી પ્રગતિ” એક દિવસીય પ્રિ ઈવેન્ટ સમિટ યોજાશે

અમદાવાદ ખાતે આગામી તા.૨૦મી ડિસેમ્બરે “લોકલથી ગ્લોબલઃ નિકાસલક્ષી પ્રગતિ” એક દિવસીય પ્રિ ઈવેન્ટ સમિટ યોજાશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે શુભારંભ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ અંતર્ગત અમદાવાદ ખાતે આગામી તા.૨૦મી ડિસેમ્બરે “લોકલથી ગ્લોબલઃ નિકાસ લક્ષી પ્રગતિ” એક દિવસીય પ્રિ ઈવેન્ટ સમિટ યોજાનાર છે. શ્રી શકિત કન્વેન્શન સેન્ટર, વૈષ્ણોદેવી સર્કલ એસ.પી.રીગ રોડ ખાતે યોજાનાર આ સમિટનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે.
આ પ્રિ ઈવેન્ટ સમિટમાં આ વિષયના નિષ્ણાતો રાજ્યની પરંપરાગત કુશળતાઓનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ચર્ચા કરશે જેના પરિણામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય તથા દેશ 2028 સુધીમાં વાર્ષિક એક ટ્રિલિયન ડૉલરના લક્ષ્યાંક સુધી પહોંચી શકે.
વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કેવી રીતે કરી શકાય તથા તે સાકાર કરવામાં ગુજરાત કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે આ સેમિનારમાં કાર્યરચનાની ચર્ચા થશે તેમજ વ્યૂહરચના અંગે વિચારણા કરવામાં આવશે. હાલ રાષ્ટ્રીય નિકાસની બાબતમાં (નાણાકીય વર્ષ 2022)માં ભારતના રાજ્યોમાં 30% ફાળા સાથે ગુજરાત ટોચ ઉપર છે. નાણાકીય વર્ષ 2021માં રાજ્યે રૂ. 4.5 લાખ કરોડના સામાનની નિકાસ કરી હતી. ભારતની કુલ પેટ્રોલિયમ પેદાશોની નિકાસની બાબતમાં 80% કરતાં વધુ હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર છે. તે ઉપરાંત જેમ્સ અને જ્વેલરી, ઓર્ગેનિક કેમિકલ્સ, ફાર્માસ્યૂટિકલ્સ, એગ્રો કેમિકલ્સ, પ્લાસ્ટિકની કાચી સામગ્રી, કાપડ, ડાઈ, સિરામિક વગેરેની નિકાસમાં ગુજરાત અગ્રણી છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય નિકાસ માટે શ્રેષ્ઠ ઈકોસિસ્ટમ પૂરી પાડે છે. વાણિજ્ય મંત્રાલય તેમજ નિતિ આયોગ દ્વારા LEADS તથા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સમાં રાજ્યને શ્રેષ્ઠ રેન્કિંગ આપવામાં આવ્યું છે.
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ ઉપર 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાઈ રહેલી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના અનુસંધાને આ સેમિનારનું આયોજન શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
આ સમિટમા ત્રણ સત્ર યોજાશે, જેના વિષય છે- ભારતને નિકાસલક્ષી અર્થતંત્ર બનાવવું, નિકાસો માટે નિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો તથા પરંપરાગત અને પ્રારંભિક ક્ષેત્રોમાં નિકાસની સંભાવનાઓ. આ વિષયમાં રસ ધરાવતા લોકો એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ (EPCs) દ્વારા સ્થાપિત ક્ષેત્રવાર સ્ટોલની મુલાકાત લઈ શકશે અને નિકાસ પ્રક્રિયા તથા નિકાસને લગતી અન્ય બાબતોની માહિતી મેળવી શકશે.
રાજ્ય સરકાર તેમજ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંયુક્તપણે આયોજિત આ ઈવેન્ટની નોડલ એજન્સી તરીકે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (GIDC)ની નિયુક્તિ કરવામાં આવી છે.
ઈવેન્ટના ઈપીસી ભાગીદારોમાં ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (FIEO), મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ ડેવલપમેન્ટ ઑથોરિટી (MPEDA), બેઝિક કેમિકલ્સ, કૉસ્મેટિક્સ, એન્ડ ડાયઝ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (CHEMEXCIL), ફાર્માસ્યૂટિકલ્સ એન્ડ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (PHARMEXCIL), એન્જિનિયરિંગ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (EEPC), પ્લાસ્ટિક્સ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (PLEXCONCIL)નો સમાવેશ થાય છે.
આ સમિટમાં માં વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની સ્થિતિ, નિકાસલક્ષી અર્થતંત્રના વિકાસમાં MSMEની ભૂમિકા, મહત્તમ નિકાસ માટે કોસ્ટલ ઈકોનોમિક ઝોન (સાગરમાલા યોજનાના ભાગરૂપે) તેમજ નાણાકીય વર્ષ 2028 સુધીમાં એક ટ્રિલિયન ડૉલરના ભારતના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાતની યોજના તૈયાર કરવા જેવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.