૧રમો એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો–ર૦રર

૧રમો એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો–ર૦રર
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્ધારા આયોજીત ૧રમો એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો–ર૦રર તા.૬,૭ અને ૮ જાન્યુઆરી ર૦રર દરમ્યાન ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ, જીઆઈડીસી, અંકલેશ્વર ખાતે યોજાશે. ૧,પ૦,૦૦૦ સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનમાં નાના–મોટા રપ૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. આ એકઝીબીશન સવારે ૧૦ઃ૦૦ થી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
આ એકઝીબીશનનું ઉદઘાટન તા.૦૬/૦૧/ર૦રરના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે રાજયકક્ષાના સહકાર, મીઠા ઉદ્યોગ પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન–પર્યાવરણ અને કલાઈમેટ ચેઈન્જ, ગુજરાત સરકારના માનનીય મંત્રી જગદીશભાઈ પંચાલ, અતિથિ વિશેષ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર–હાંસોટ મત વિસ્તારના લોકલાડીલા માનનીય ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય બળદેવભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં થશે. આ સમારંભ દરમ્યાન એઆઈએ–આનંદપુરા ટ્રોફી વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે, જેમાં માઈક્રો, સ્મોલ, મીડીયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.
આ એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઈડસ, ઓઈલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ, પોલ્યુશન કન્ટ્રોલ ઈકવીપમેન્ટસ, ઈલેકટ્રીકલ્સ/ ઈલેકટ્રોનીકસ જેવા ઉદ્યોગોમાં ઉપયોગી મશીનરીને લગતા એકઝીબીટરોએ ભાગ લીધેલ છે. આ એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી, વટવા, નંદેસરી, દહેજ, ઝઘડિયા, પાનોલી, નરોડા, ભાવનગર, ઓઢવ, સાયખા, વિલાયત, વાગરા તેમજ આસપાસના રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે, તેવી અપેક્ષા છે. આ એકઝીબીશનમાં ભાગ લેતા તમામ મુલાકાતીઓ માટે કોવિડ–૧૯ની ગાઈડ લાઈનના ભાગરૂપે ઓન લાઈન વીઝીટર્સ રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે, જેમાં વીજીટર્સે www.aiaexpo.in પર જઈને ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે અને QR Code સ્કેન કરીને પ્રવેશ આપવામાં આવશે, જેથી તમામ મુલાકાતીઓને આ સાથે આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે કે અમારી આ કોન્ટ્રકટલેસ પ્રક્રિયાને અનુસરે.
વધુમાં અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી દ્ધારા તા.૬ અને ૭ જાન્યુઆરી દરમ્યાન ”ઈન્ટીગ્રેટીંગ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ પરસ્પેકટીવ ઈન પેન્ડેમીક સીચ્યુએશન” વિષય પર એસોસિએશન અને ડીરેકટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (ગુજરાત સરકાર)ના સહયોગથી બે દિવસના સેમિનારનું આયોજન કરેલ છે, જેમાં વિવિધ વિષયો ઉપર નામાંકિત વકતાઓ દ્ધારા વકતવ્ય આપવામાં આવશે, જેમાં વિવિધ ઉદ્યોગોમાંથી ૩૦૦થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ દક્ષિણ ગુજરાત.